નવસારી; ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા સંદેશ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સ્વચ્છ સમાજ માટે રાજ્યપાલશ્રીનો પ્રેરણાદાયી પ્રયાસ: જાતે હાથમાં ઝાડુ પકડી ગામમાં સફાઈ કરી*
નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલશ્રીએ રૂમલા ગામમાં સભાસ્થળના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક વૃક્ષ ઉછેરવું એટલે અનેક જીવનોને જીવનદાન, તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું.
પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલશ્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ પકડી ગામના જાહેર સ્થળ, પોલીસ ચોકી પાસે સફાઈ કરી ગ્રામજનો સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યપાલ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. સમગ્ર રૂમલા ગામ આ જનજાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બન્યું હતું.





