AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં પોળશમાળ ગામે પાણીની ટાંકીમાં ભંગાણથી પાણીનો વેડફાટ;પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

જિલ્લા પુરવઠા વિભાગ અને પંચાયત વિભાગ તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ભર ઉનાળે પાણી માટે કિલ્લત , ગ્રામજનો બન્યા મજબૂર અને કહેવા લાગ્યા “બે બેગ સિમેન્ટ આપો, અમે જાતે ટાંકી રિપેર કરી દઈશું”

ડાંગ જિલ્લાના કિરલી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા પોળશમાળ ગામમાં સરકારી ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી હાલ જર્જરિત હાલતમાં હોવાથી ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં બનાવવામાં આવેલી આ પાણીની ટાંકીમાં લાંબા સમયથી ભંગાણ તથા લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.સ્થાનિક રહીશો જણાવે છે કે ટાંકીમાંથી પાણી લીક થવાના કારણે ગામના અનેક ઘરો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. આ સમસ્યાને લઈને ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક સરપંચ તેમજ પંચાયત સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી ટાંકીના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેને કારણે ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. તંત્રની આળસથી કંટાળેલા ગ્રામજનોએ હવે અનોખી માંગ રજૂ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો પંચાયત પાસે ટાંકીની મુલાકાત લેવાનો સમય ન હોય અથવા સમારકામ માટે બજેટની અછત હોય, તો માત્ર બે બેગ સિમેન્ટ આપવામાં આવે. ગામલોકો ભેગા મળીને જાતે જ ટાંકીનું લીકેજ બંધ કરી દેશે જેથી ગામના દરેક ઘરને નિયમિત પાણી મળી શકે.એક તરફ સરકાર દ્વારા ‘નલ સે જલ’ યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ તૈયાર માળખાંનું યોગ્ય જતન ન થતા અને સમયસર સમારકામ ન થતાં ડાંગના અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પંચાયત અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપશે કે પછી ગ્રામજનોને જ આગળ આવી ટાંકીનું સમારકામ કરવું પડશે.

Back to top button
error: Content is protected !!