KUTCHMUNDRA

કચ્છ યુનિવર્સિટી ખાતે ‘નેશનલ એજ્યુકેશન પોલિસી-2020: પોલિસી ટુ પ્રેક્ટિસ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ યુનિવર્સિટી ખાતે ‘નેશનલ એજ્યુકેશન પોલિસી-2020: પોલિસી ટુ પ્રેક્ટિસ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાશે

 

ભુજ, તા. 14: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવન દ્વારા નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ અને વ્યવહારિક અભિગમ પર ચર્ચા કરવાના હેતુથી ‘નેશનલ એજ્યુકેશન પોલિસી-2020: પોલિસી ટુ પ્રેક્ટિસ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોરશીયમ ઓફ ગુજરાતના સહયોગથી આયોજિત આ પરિષદ આગામી તા. 16 માર્ચ 2026, સોમવાર અને તા. 17 માર્ચ 2026, મંગળવારના રોજ યુનિવર્સિટી ખાતે સંપન્ન થશે. આ બે દિવસીય શૈક્ષણિક મંથન દ્વારા શિક્ષણ ક્ષેત્રે આવનારા પાયાના પરિવર્તનો અને તેના અમલીકરણના પડકારો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવશે.

આ રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય ઉદ્ઘાટન તા. 16 માર્ચના રોજ સવારે 10 કલાકે યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. મોહન પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (પશ્ચિમ પ્રાદેશિક સમિતિ) ના ચેરમેન અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. શૈલેષભાઈ ઝાલા ઉપસ્થિત રહી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડશે. આ સાથે જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગરના સેન્ટર ઓફ એજ્યુકેશનના પ્રિન્સીપાલ દ્વારા પરિષદના મુખ્ય વિષય પર બીજ વક્તવ્ય રજૂ કરવામાં આવશે.

આ પરિષદમાં દેશની વિવિધ નામાંકિત યુનિવર્સિટીઓના નિષ્ણાતો ઉપસ્થિત રહીને નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અંતર્ગત જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન આપશે. જેમાં યશવંતરાવ ચૌવાણ ઓપન યુનિવર્સિટી, નાસિકના કુલપતિ પ્રો. ડો. સંજીવ સોનવણે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ભરત રામાનુજ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-માલવીય મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટરના નિયામક પ્રો. ડો. એચ.બી. પટેલ, ભાર્થીયાર યુનિવર્સિટી, કોઈમ્બતૂરના એસોસિયેટ પ્રોફેસર ડો. કે. પ્રેમા તેમજ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોર સહિતના તજજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના સંશોધકો અને વિચારકો દ્વારા વિષયલક્ષી શોધપત્રોનું વાંચન પણ કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ પરિસંવાદના ડાયરેક્ટર પ્રો. ડો. ડી.એમ. બકરાણીયા, સહ-સંયોજકો ડો. જીજ્ઞા ખોલિયા અને ડો. અતુલ કનૈયા તેમજ શિક્ષણ વિદ્યાશાખાના તમામ અધ્યાપક મિત્રો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!