GUJARATKUTCHMUNDRA

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં તલાટીઓ માટે ‘ઓનલાઇન હાજરી’ ફરજિયાત: કચ્છના કર્મઠ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સરહદી જિલ્લામાં આવો પ્રજાલક્ષી નિર્ણય ક્યારે લેશે?

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં તલાટીઓ માટે ‘ઓનલાઇન હાજરી’ ફરજિયાત: કચ્છના કર્મઠ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સરહદી જિલ્લામાં આવો પ્રજાલક્ષી નિર્ણય ક્યારે લેશે?

ભુજ, તા. 14:
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં બનાસકાંઠામાંથી અલગ કરી નવો બનાવાયેલ વાવ-થરાદ જિલ્લો હાલ વહીવટી કડકાઈને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાવ-થરાદના જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી દ્વારા ગ્રામ પંચાયતના તલાટીઓની અનિયમિતતા રોકવા માટે આગામી ૧૭ માર્ચથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોકેશન અને સેલ્ફી સાથેની દિવસમાં બે વાર ઓનલાઇન હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિર્ણય મુજબ જો તલાટી સવારે ૧૦ થી ૧૧ અને સાંજે ૫:૪૦ થી ૬:૪૦ દરમિયાન પંચાયત ભવન ખાતેથી હાજરી નહીં પૂરે તો તેમનો પગાર કાપવામાં આવશે. આ કડક અમલવારીને પગલે હવે કચ્છ જિલ્લાના જાગૃત નાગરિકોમાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે કચ્છ જેવા વિશાળ અને દુર્ગમ ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લામાં આવો પારદર્શક નિર્ણય ક્યારે લેવાશે?
કચ્છ જિલ્લાના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમની કાર્યક્ષમતા અને પ્રજાલક્ષી પરિવર્તનશીલ નિર્ણયો લેવા માટે જાણીતા છે. કચ્છના છેવાડાના લખપત, અબડાસા, રાપર, ભચાઉ અને ખાવડા (બન્ની) જેવા વિસ્તારોમાં આવેલી અનેક ગ્રામ પંચાયતોમાં તલાટીઓ અનિયમિત રહેતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે જેના કારણે સામાન્ય ગ્રામજનોને દાખલા કઢાવવા કે સરકારી યોજનાઓના કામો માટે ધક્કા ખાવા પડે છે. જ્યારે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તલાટીઓને પંચાયત ભવન સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યો હોય ત્યારે કચ્છના બાહોશ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પણ કચ્છની પ્રજાના હિતમાં આવો જ ક્રાંતિકારી નિર્ણય લઈને વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને જવાબદાર બનાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
વધુમાં વાવ-થરાદમાં લેવાયેલા નિર્ણય મુજબ ટેકનિકલ ખામી કે ઈન્ટરનેટ ન હોય તો પણ ઓફલાઇન હાજરી નોંધી શકાય તેવી સુવિધા રખાઈ છે જે મોડેલ કચ્છ જેવા નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે શું કચ્છનું વહીવટી તંત્ર વાવ-થરાદના આ ‘ડિજિટલ એટેન્ડન્સ’ મોડેલને અપનાવીને તલાટીઓની હાજરી સુનિશ્ચિત કરશે? શું કચ્છના પ્રજાલક્ષી જિલ્લા વિકાસ અધિકારી આગામી દિવસોમાં તલાટીઓની અનિયમિતતા દૂર કરવા કોઈ કડક પરિપત્ર જાહેર કરશે? આ પ્રશ્નો હાલ કચ્છના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!