ટીંબા ગામ પ્રાથમિક શાળામાં ‘આનંદ મેળો’ યોજાયો,વિદ્યાર્થીઓએ વ્યવસાયિક શિક્ષણના પાઠ ભણ્યા.

તારીખ ૧૫/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળા ખાતે આજે ‘બેગલેસ ડે’ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણની સાથે જીવન વ્યવહારના પાઠ શીખવવાના હેતુથી શાળામાં ભવ્ય ‘આનંદ મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ હોંશે-હોંશે વેપારી બનીને વ્યવસાયિક કૌશલ્યના દર્શન કરાવ્યા હતા.આ આનંદ મેળામાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં ખાણી-પીણીના કુલ 35 જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવાનો અને તેમને વ્યવસાયિક શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો હતો.બમણો નફો અને પ્રત્યક્ષ અનુભવ: વિદ્યાર્થીઓએ માત્ર સ્ટોલ જ નહોતા લગાવ્યા, પરંતુ વસ્તુનું વેચાણ કરીને આર્થિક વ્યવહાર પણ શીખ્યા હતા. આશ્ચર્યજનક રીતે, મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતે કરેલા ખર્ચ સામે બમણો વકરો કરી નફો મેળવ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી, હિસાબ રાખવો અને ટીમ વર્કમાં કામ કરવાનો સ્વયં અનુભવ મેળવ્યો હતો.સૌનો સહિયારો સાથ: સવારે 9:00 થી 12:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષકો, એસ.એમ.સી (SMC) ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વાલીઓના સહકારથી આ આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને યાદગાર બની રહ્યું હતું.શાળાના આ શૈક્ષણિક પ્રયોગને ગ્રામજનોએ પણ બિરદાવ્યો હતો.









