MORBI:મોરબી કંડલા બાયપાસ પર ટ્રક હટાવવા બાબતે થયેલા વિવાદમાં મારામારી અને તોડફોડ; છ શખ્સો સામે ફરિયાદ

MORBI:મોરબી કંડલા બાયપાસ પર ટ્રક હટાવવા બાબતે થયેલા વિવાદમાં મારામારી અને તોડફોડ; છ શખ્સો સામે ફરિયાદ
મોરબી: શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલી દેશી ડાયરો હોટલ નજીક ઉમા સ્ટીલ ફર્નીચરના શો-રૂમ પાસે ટ્રક હટાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે મારામારી, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી મળતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કંડલા બાયપાસ હાઈવે પર આવેલી સત્કાર રેસીડેન્સીમાં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (ઉ.વ. ૩૬) ના શો-રૂમ પાસે એક ટ્રક પડેલો હતો. આ ટ્રક હટાવવા બાબતે આરોપી રણજીતભાઈ ચાવડાએ ઉમેશભાઈના ભાઈ ચિરાગ સાથે ઝઘડો કર્યો હતો.
આરોપી રણજીતભાઈએ ચિરાગ સાથે મારામારી કરી ધાકધમકી આપી હતી. ત્યારબાદ રણજીતભાઈએ દિનેશભાઈ મકવાણા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોને સ્થળ પર બોલાવ્યા હતા. આરોપી દિનેશભાઈએ પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢી ફરિયાદીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પિસ્તોલ જેવા હથિયાર બતાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આરોપીઓએ શો-રૂમમાં ઘૂસીને સીસીટીવી કેમેરાનું DVR તોડી નાખ્યું હતું અને નુકસાન પહોંચાડી લૂંટ પણ ચલાવી હતી.ફરિયાદી ઉમેશભાઈ મેરજાએ આ મામલે રણજીતભાઈ જેસીંગભાઈ ચાવડા (રહે. વાવડી રોડ) અને દિનેશભાઈ ગગુભાઈ મકવાણા (રહે. ભક્તિનગર ઓવરબ્રિજ પાસે) સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આરોપીઓએ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ ગુના અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.










