GUJARAT:ગુજરાત ઉદ્યોગો અને હોટલોમાં ખોરાક અને કામગીરી માટે LPG પુરવઠો પુનઃસ્થાપિત કરવા આવેદનપત્ર

GUJARAT:ગુજરાત ઉદ્યોગો અને હોટલોમાં ખોરાક અને કામગીરી માટે LPG પુરવઠો પુનઃસ્થાપિત કરવા આવેદનપત્ર
ગુજરાત રાજ્યમાં હાલમાં વાણિજ્યિક (Commercial) LPG સિલિન્ડર અને પ્રોપેન ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને પગલે ઔદ્યોગિક એકમો અને હોટલ સંચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને એશિયાના સૌથી મોટા ગણાતા મોરબી સિરામિક ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કામદારોના ભોજન અને ઉત્પાદન પ્રક્રિયા પર તેની સીધી અસર પડી રહી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા હોસ્પિટલો અને શાળાઓ સિવાય અન્ય સ્થળોએ પુરવઠો મર્યાદિત કરાતા, ફેક્ટરીઓની કેન્ટીનમાં કામદારો માટે ભોજન બનાવવું મુશ્કેલ બન્યું છે. ગેસ પુરવઠાના અભાવે ઉત્પાદન એકમોના સંચાલનમાં વિક્ષેપ પડી રહ્યો છે, જે લાંબે ગાળે દેશની આર્થિક પ્રગતિને અસર કરી શકે છે. હોટલો હોસ્પિટલોમાં પણ ભોજન પૂરું પાડે છે. ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા સામાન્ય જનતા અને દર્દીઓના ભોજનની વ્યવસ્થા પર પણ જોખમ ઊભું થયું છે.શાસન-પ્રશાસનને આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા આવેદનપત્ર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે:”ગુજરાતના સિરામિક ઉદ્યોગ, અન્ય ઔદ્યોગિક એકમોની કેન્ટીનો અને હોટલોમાં વાણિજ્યિક LPG અને પ્રોપેન ગેસનો પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી હજારો કામદારો અને સંકળાયેલા લોકોની રોજીરોટી જળવાઈ રહે.”હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આ બાબતે કેટલી ઝડપથી પગલાં લેવામાં આવે છે અને ઉદ્યોગોને આ સંકટમાંથી ઉગારવા શું આયોજન કરવામાં આવે છે.










