નવ મહિના બાદ પણ ડામર રોડ અધૂરો! આસોદર–દેલનકોટ–ખેંગારપૂરા માર્ગ પર રાહદારીઓ પરેશાન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસોદરથી દેલનકોટ અને ખેંગારપૂરા સુધીના ડામર રોડનું લગભગ નવ મહિના પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ રોડનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર માત્ર કપચી અને કોકરેટ પાથરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. ધીમી ગતિએ ચાલતા કામને કારણે રસ્તા પર ધૂળ ઉડતી હોવાથી મુસાફરો તેમજ આસપાસના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી મોસમમાં આ જ માર્ગ વધુ જોખમી બન્યો હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.
ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે રોડના કામમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ વચ્ચેની કથિત સાંઠગાંઠના કારણે કામમાં બેદરકારી દાખવાઈ રહી છે.
સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરીને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે.





