GUJARAT

ઝઘડીયા ખાતે મોટી ગેરવહીવટની ઘટના સામે આવી છે, જ્યાં ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૯૫૬ ગેસ સિલિન્ડર ગાયબ થયાનો મામલો સામે આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે મોટી ગેરવહીવટની ઘટના સામે આવી છે, જ્યાં ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૯૫૬ ગેસ સિલિન્ડર ગાયબ થયાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વીજયસિંહ પ્રુથ્વીસિંહ વળવીએ ઝઘડીયા ખાતે આવેલી નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાં થયેલી ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. ગોડાઉન ઝઘડીયા આઈટીઆઈ રોડ પર આવેલું છે.
ફરિયાદ મુજબ, ગોડાઉન કીપર તરીકે કામ કરતા પિયુષભાઈ ગામીત છેલ્લા ૧૩ વર્ષથી ફરજ પર હતા. તા. ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ થયેલા રૂટિન ચેકિંગ દરમિયાન 14.2 કિલોગ્રામના કુલ ૯૫૬ ગેસ સિલિન્ડર ઓછા હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે પૂછપરછ કરતાં ગોડાઉન કીપરે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનો અને કેટલાક વેચાઈ ગયાનો જવાબ આપ્યો હતો.
પરંતુ એજન્સીની ગણતરી મુજબ આ ઘટનામાં કુલ રૂ. ૧૭ લાખ ૫૭ હજાર ૮૮૦ જેટલું નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે આ સિલિન્ડરો ગેરવહીવટથી સગેવગે કરવામાં આવ્યા છે.
હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!