સુરેન્દ્રનગર ખાતે મિલેટ મહોત્સવના આયોજન અન્વયે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હવામહેલ ખાતે તા. ૨૧-૨૨ માર્ચના રોજ યોજાનાર બે દિવસીય મહોત્સવ

તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હવામહેલ ખાતે તા. ૨૧-૨૨ માર્ચના રોજ યોજાનાર બે દિવસીય મહોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક હવામહેલ ખાતે આગામી તા. ૨૧ અને ૨૨ માર્ચના રોજ બે દિવસીય ‘મિલેટ્સ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારૂ સંચાલન અને પૂર્વતૈયારીઓ માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગર પાલિકા સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન બનીને ન રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું સબળ માધ્યમ બનવું જોઈએ આ મહોત્સવનો મુખ્ય હેતુ ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ’ની સાતત્યતા જાળવી ખેડૂતોને મિલેટ એટલે કે જાડા ધાન અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવ્યું હતું આ મહોત્સવમાં અંદાજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલા મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાને રાખીને કમિશનરએ હવામહેલ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ સાથે સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત ‘રેડી ટુ ઈટ’ વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિત જુદાજુદા ૨૦ જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે આ ઉપરાંત, સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે આજની ભાગદોડભરી જીવન શૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે મિલેટ્સ અત્યંત ઉપયોગી છે તેવો સંદેશ જન-જન સુધી આ મહોત્સવ થકી પહોંચે તેવું સુચારુ આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની “મિલેટ ડેવલોપમેન્ટ યોજના ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્યની ૧૭ મહાનગર પાલિકાઓમાં આવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




