MORBI:મોરબીમાં શેરબજારના નામે છેતરપિંડી: વેપારીએ 50 લાખ ગુમાવ્યા, ટેલિગ્રામ પર અપાઈ લાલચ

MORBI:મોરબીમાં શેરબજારના નામે છેતરપિંડી: વેપારીએ 50 લાખ ગુમાવ્યા, ટેલિગ્રામ પર અપાઈ લાલચ
મોરબી: શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગ અને શેરબજારમાં રોકાણના નામે રોકાણકારોને લૂંટતી ટોળકી સક્રિય થઈ છે. મોરબીના એક વેપારીને ઉંચા વળતરની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ₹50,14,603 ની મોટી રકમ પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ સામે, સીતારામ પેલેસમાં રહેતા 43 વર્ષીય વેપારી જતીનભાઈ ચતુરભાઈ કુંડારીયા સાથે આ છેતરપિંડી થઈ છે. ફરિયાદ
અજાણ્યા ટેલિગ્રામ યુઝર્સ (Kelly, Samir Gupta અને Customer Manager) દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ટેલિગ્રામ પર ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા લાખો રૂપિયા કમાવવાની લોભામણી સ્કીમો બતાવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નાની રકમનું વળતર પણ આપ્યું હતું.રોકાણનો ગાળો: વેપારીએ તા. 08/08/2025 થી 07/11/2025 દરમિયાન આરોપીઓએ આપેલી એજન્ટ આઈડી દ્વારા શેરબજારમાં રોકાણ કર્યું હતું.
₹1.11 કરોડનો નફો બતાવીને ખેલ ખેલાયો ગઠિયાઓએ વેપારીને ડિજિટલ પ્લેટફોર્મ પર એવું દર્શાવ્યું હતું કે તેમને રોકાણ પર ₹1,11,99,751 નો માતબર નફો થયો છે. જ્યારે વેપારીએ આ રકમ વિથડ્રો (ઉપાડવા) માટે પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો હતો. નફાની રકમ મેળવવા માટે અલગ-અલગ ,ટેક્સ કમિશન ,ડોક્યુમેન્ટ ચાર્જ જેવા બહાના હેઠળ વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹50,14,603 અલગ-અલગ યુપીઆઈ (UPI) આઈડી અને બેંક ખાતામાં જમા કરાવી લીધા હતા. રકમ ભર્યા બાદ પણ નફો ન મળતા અને વધુ નાણાંની માંગણી થતા વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે જતીનભાઈની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, બેંક ટ્રાન્જેક્શન અને ટેલિગ્રામ આઈડીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










