GUJARATPANCHMAHALSHEHERA

નીલગાયનો શિકાર કરવા આવેલા ત્રણ શખ્સોનો ૧૫ કિ.મી. ફિલ્મી પીછો કરી હથિયારો સાથે દબોચી લેતી શહેરા પોલીસ

 

પ્રતિનિધિ ગોધરા તા.17

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામેથી વાઘજીપુર તરફ જતા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવા આવેલા ગોધરાના ત્રણ ઇસમોને શહેરા પોલીસે ફિલ્મી ઢબે ૧૫ કિલોમીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યા છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બનેલી આ ઘટનામાં શિકારીઓની કાર બોડીદ્રા ગામે પલ્ટી ખાઈ જતા પોલીસે તેઓને જીવતા કારતૂસ, બાર બોરની ડબલ બેરલ બંદૂક અને હોન્ડા અમેઝ કાર સહિત કુલ રૂ. ૪.૧૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતની સૂચનાથી શહેરા પોલીસનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. શહેરા પોલીસ મથકના એ.એસ.આઈ. રામસિંહ અને હેડ કોન્સ્ટેબલ બાબુભાઇ ચલાલી ચોકડીથી વાઘજીપુર તરફ જતા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે જંગલની ઝાડીમાંથી બંદૂકથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો. પોલીસે સરકારી ગાડીની લાઈટ કરતા જંગલમાંથી નીલગાયનું ટોળું દોડતું જોવા મળ્યું હતું. આ દરમિયાન જંગલમાંથી એક ફોર-વ્હીલર ગાડી પૂરઝડપે બહાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ગાડી વાઘજીપુર તરફ ભગાડી મૂકતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. આ શંકાસ્પદ ગાડી વાઘજીપુર બજારમાંથી પસાર થઈ ગોધરા તાલુકાના બખ્ખર અને ત્યાંથી ધોળી તરફ આગળ વધી હતી. પોલીસે ગોધરા કંટ્રોલ રૂમને પણ જાણ કરી દીધી હતી. આશરે પંદર કિલોમીટર સુધીના પીછા બાદ બોડીદ્રા ગામના વળાંકમાં પૂરઝડપે જતી શિકારીઓની કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

કાર પલ્ટી ખાતા જ પોલીસે દોડી જઈને અંદર સવાર ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. તેમની ઓળખ સીરાઝ સુલેમાન ખરાદી (રહે. ખાડી ફળિયા, ગોધરા), વસીમ ફારૂક દોલતી (રહે. ધનત્યા પ્લોટ, ગોધરા) અને અયુબ એહમદ કમલી (રહે. બખ્ખર, મૂળ રહે. ખાડી ફળિયા, ગોધરા) તરીકે થઈ છે. પોલીસે પંચો રૂબરૂ સિલ્વર કલરની હોન્ડા અમેઝ કાર GJ-17-BN-9900માં તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતની એક બાર બોરની ડબલ બેરલ બંદૂક અને રૂપિયા ૮૪૦ ની કિંમતના સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા. અકસ્માતને કારણે ગાડીના કાચ અને બોનેટ તૂટી ગયા હતા, જેની કિંમત રૂપિયા ૪ લાખ આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ ૪,૧૫,૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરા પી.આઈ. એ.બી. ચૌધરીની સૂચનાથી આ ગુનાની વધુ તપાસ પી.એસ.આઈ. એસ.આર. દેવરે ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!