Rajkot: ભારતીય ટપાલ વિભાગ દ્વારા પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવા લોન્ચ કરાઈ : ૬ મુખ્ય શહેરોમાં ૨૪ થી ૪૮ કલાકની અંદર સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વકની ડિલિવરી સુનિશ્ચિત કરાશે

તા.૧૮/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ ટપાલ વિભાગે “ગ્રાહક સંમેલન” યોજી ગ્રાહકોને પ્રીમિયમ સ્પીડ સેવા અંગે માહિતગાર કરાયા
Rajkot: ભારતીય ટપાલ વિભાગ આધુનિક અને ગતિશીલતા સાથે ગ્રાહકોની સેવામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે. જે અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ દ્વારા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્ય સંચાર મંત્રીશ્રી ડો. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવશ્રી (પોસ્ટ) કુમારી વંદિતા કૌલ અને ડાયરેકટર જનરલશ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં “૨૪ સ્પીડ પોસ્ટ”, “૨૪ સ્પીડ પોસ્ટ પાર્સલ” અને “૪૮ સ્પીડ પોસ્ટ” સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના પ્રથમ તબક્કામાં આ સેવાઓ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અન્વયે ૨૪ થી ૪૮ કલાકની અંદર સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વકની ડિલીવરી સુનિશ્ચિત કરાશે.
આ સેવામાં ઓ.ટી.પી આધારિત સુરક્ષિત ડિલિવરી, SMS એલર્ટ સાથે રિયલ ટાઈમ ટ્રેકિંગ, વિલંબ થવા પર ૧૦૦ ટકા મની બેંક ગેરંટી, રાષ્ટ્રીય રજા સિવાય રવિવાર અને રજાના દિવસોમાં ડિલિવરી, બિઝનેસ ગ્રાહકો BNPL (હમણાં બુક કરો અને પછી ચુકવો), વ્યવસાયિક ઉપયોગ માટે API ઈન્ટિગ્રેશન અને કોર્પોરેટ ગ્રાહકો માટે કેન્દ્રીય બિલિંગ સિસ્ટમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
ટપાલ વિભાગની નવી સેવાઓના પ્રચાર અને પ્રસાર માટે રાજકોટ રિજીયન ઓફિસના પોસ્ટમાસ્ટર જનરલશ્રી પવનકુમાર દાલમિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે “ગ્રાહક સંમેલન” યોજાયું હતું. જેમાં રાજકોટ વિભાગના મુખ્ય ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટમાસ્ટર જનરલશ્રી દ્વારા નવી પ્રીમિયમ સેવા અને તેના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ આ સેવાઓ સાથે જોડાયેલી વિશેષતાઓ, સર્વિસ સ્ટાન્ડર્ડસ અને વ્યવસાયિક તકો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રાહકોને ઝડપી તથા વધુ વિશ્વસનીય ડિલિવરી માટે ભવિષ્યમાં આ સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે પોસ્ટ માસ્ટર જનરલશ્રી પવનકુમારે ભારતીય ટપાલ વિભાગની હાલની સેવાઓ તેમજ નવી લોન્ચ કરાયેલી પ્રીમિયમ સેવાઓ અંગે ગ્રાહકો પાસેથી મુલ્યવાન પ્રતિસાદ મેળવ્યો હતો. પ્રાપ્ત થયેલા સૂચનો સેવાની ગુણવત્તા સુધારવા અને ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.







