પંચમહાલ ગૌરક્ષક સ્ક્વોડની સફળ કામગીરી: ઘુસર રોડ પરથી કતલના ઇરાદે લઈ જવાતા પાંચ ગૌવંશને ઉગારી લેવાયા.

તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં ગૌવંશની હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મંગળવારની રાત્રિએ ગૌરક્ષક સ્ક્વોડ અને વેજલપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઘુસર રોડ પરથી ક્રૂરતાપૂર્વક ભરેલા પાંચ ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અંધારાનો લાભ લઈ વાહનચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અને પંચમહાલ ગૌરક્ષક સ્ક્વોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એચ. આર. જેતાવતને ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘુસર રોડ પર વલમપુરી નિશાળવાળા રસ્તેથી એક ટાટા એસી વાહનમાં ગૌવંશને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે. બાતમી મુજબ આ ગૌવંશોને ઘુસર રોડ પરના ઝાડી-ઝાંખરાવાળા જંગલ વિસ્તારમાં કતલ કરવાના હતા.આ બાતમીના આધારે ગૌરક્ષક સ્ક્વોડ અને વેજલપુર સ્થાનિક સર્વેલન્સ પોલીસની ટીમે સંયુક્ત રીતે વેજલપુર રોડ પર વોચ ગોઠવી હતી.મોડી રાત્રે ૨:૩૦ કલાકે બાતમી મુજબનું ટાટા એસી વાહન આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને વાહનચાલકે ગાડી ઘુસર રોડ પર ડુંગરી ફળિયાના કાચા રસ્તે ભગાવી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક વાહનને રસ્તામાં જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.પોલીસે બિનવારસી હાલતમાં મળેલા વાહનની તપાસ કરતા અંદરથી ત્રણ વાછરડા અને બે ગાય મળી આવ્યા હતા. આ પશુઓને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની સુવિધા વગર ટૂંકા દોરડાથી અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે ₹૭૦,૦૦૦ની કિંમતના ગૌવંશને સુરક્ષિત રીતે બચાવી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.પોલીસે ₹૧,૫૦,૦૦૦ની કિંમતનું ટાટા એસી વાહન કબજે કર્યું છે. નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વેજલપુર પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.






