MORBI:મોરબી આલાપ રોડની ૨૭ સોસાયટીઓ મેદાને: કથળતી સુવિધા અને દબાણના પ્રશ્ને તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી




MORBI:મોરબી આલાપ રોડની ૨૭ સોસાયટીઓ મેદાને: કથળતી સુવિધા અને દબાણના પ્રશ્ને તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી
આલાપ રોડ પર આવેલી ૨૭ જેટલી સોસાયટીઓના રહીશોએ પોતાના હક અને પાયાની સુવિધાઓ માટે એક થઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. તાજેતરમાં આ તમામ સોસાયટીઓ દ્વારા એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક પ્રશ્નો અને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળ્યો હતો.


રોડનું ગોકળગતિએ ચાલતું કામ: નવા બની રહેલા આલાપ રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રહીશોની માંગ છે કે આ કામ ઝડપથી અને પૂરેપૂરી ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે. આલાપ રોડ પર બંને સાઈડ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન છેલ્લા ૧૫ વર્ષથી સળગી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૧૭ થી કલેક્ટરશ્રીનો આ દબાણો હટાવવાનો હુકમ હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આલાપ ગેટથી એસપી રોડના નાકા સુધીના નવા પાસ થયેલા ‘આઇકોનિક રોડ’ની હાલત અત્યંત દયનીય છે. આ માર્ગ અત્યારે કાર તો ઠીક પણ ટુ-વ્હીલર ચલાવવા માટે પણ યોગ્ય રહ્યો નથી.

મીટિંગમાં હાજર તમામ ૨૭ સોસાયટીઓના સભ્યોએ એકસૂરે જણાવ્યું હતું કે, જો આ તમામ પડતર મુદ્દાઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે, તો ‘આલાપ રોડ એકતા’ના નેજા હેઠળ તમામ રહીશો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે.



