MORBI:મોરબી જિલ્લામાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં એક જ દિવસે 4 લોકોના મોતથી ચકચાર

MORBI:મોરબી જિલ્લામાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં એક જ દિવસે 4 લોકોના મોતથી ચકચાર
મોરબી: મોરબી જિલ્લામાં ગઇકાલે ગોઝારો દિવસ સાબિત થયો છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ચાર વિવિધ દુર્ઘટનાઓમાં ચાર વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બિલ્ડિંગ પરથી પતકાવું, ઝાડ પરથી પડવું અને માર્ગ અકસ્માત જેવી ઘટનાઓએ સમગ્ર જિલ્લામાં અરેરાટી મચાવી દીધી છે. પોલીસે ચારેય કિસ્સામાં અકસ્માતે મોત (અ.મોત) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિલ્ડિંગ પરથી પટકાયા – મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસના ઉપરના માળેથી અકસ્માતે નીચે પડી જતાં ૪૦ વર્ષીય ગણેશભાઈ માવજીભાઈ પરમાર (રહે. માધાપર) નું કરૂણ મોત નીપજ્યું હતું.
સારવાર દરમિયાન મહિલાનું મોત –ત્રાજપર વિસ્તારમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા ગોમતીબેન મેરુભાઈ માંડવીયા (૪૧ વર્ષ) પોતાના ઘરે એકાએક પડી જતાં બેભાન થઈ ગયા હતા. તેઓને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દમ તોડ્યો હતો.
ટંકારામાં ઝાડ પરથી પડતા શ્રમિકનું મોત – ટંકારાના બંગાવડી ગામની સીમમાં મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના વતની કલસીંગ બનાભાઇ પરમાર (૩૫ વર્ષ) ઝાડની ડાળી કાપવા ઉપર ચડ્યા હતા. આ દરમિયાન સંતુલન બગડતા તેઓ નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું.
હળવદ હાઈવે પર બાઈક સ્લીપ થતા અકસ્માત – હળવદના ચરાડવા ગામ પાસે કેટી મીલ નજીક હાઈવે પર પસાર થઈ રહેલા જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણનું બાઈક (MP-69-ZD-0631) અચાનક સ્લીપ થઈ ગયું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. મોરબી જિલ્લાની સ્થાનિક પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માત અંગેના ગુના નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.










