MORBI:મોરબી સબ જેલમાં રમઝાન ઈદની ભવ્ય ઉજવણી: મુસ્લિમ બંદીવાનોએ અદા કરી નમાજ

MORBI:મોરબી સબ જેલમાં રમઝાન ઈદની ભવ્ય ઉજવણી: મુસ્લિમ બંદીવાનોએ અદા કરી નમાજ
આજે સમગ્ર દેશમાં પવિત્ર રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી સબ જેલ ખાતે પણ ભાઈચારા અને સુલેહના વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેલના સત્તાવાળાઓ દ્વારા માનવીય અભિગમ દાખવીને મુસ્લિમ બંદીવાનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી સબ જેલના જેલર અને વહીવટી સ્ટાફ દ્વારા જેલમાં સજા કાપી રહેલા મુસ્લિમ બંદીવાનો પોતાના ધાર્મિક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી જેલ પરિસરમાં જ સામૂહિક નમાજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બંદીવાનોએ શિસ્તબદ્ધ રીતે નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી.
નમાજ બાદ જેલના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તમામ મુસ્લિમ બંદીવાનોને રૂબરૂ મળીને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. જેલ પ્રશાસન દ્વારા તહેવાર નિમિત્તે બંદીવાનોના મોં મીઠા કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.માત્ર જેલમાં જ નહીં, પરંતુ મોરબી શહેરમાં પણ વહેલી સવારથી જ ઈદગાહ અને મસ્જિદોમાં નમાજ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી. એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી મોરબીવાસીઓએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.










