મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન કરાયું

22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતાં સેવાના મંત્ર સાથે આપણે આગળ વધવું જોઈએ:- મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા
વિકસિત ભારત ૨૦૪૭ માટે મહિલાઓની ભાગીદારી અનિવાર્ય: દેશના વિકાસ માટે માતૃશક્તિ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે:- મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
ડીસા ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને તથા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં “શક્તિ વુમન કોન્ફરન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની બહોળી સંખ્યામાં મહિલાઓ, સમાજસેવકો, ઉદ્યોગસાહસિકો તેમજ યુવા બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી, સામાજિક ભાગીદારી મજબૂત બનાવવી અને સ્ત્રી સશક્તિકરણને વધુ ગતિ આપવાનો હતો.આ પ્રસંગે મંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃશક્તિ સમાજની મૂળ શક્તિ છે અને એક સ્ત્રી માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. તેમણે જણાવ્યું કે, આજના યુગમાં ટેકનોલોજીનો સદુપયોગ કરીને મહિલાઓ પોતાનું કાર્ય વધુ અસરકારક રીતે કરી શકે છે. તેમણે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમ ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણો રજૂ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
મંત્રીશ્રીએ માતૃશક્તિના મહિમાને વર્ણવતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા પૂજનીય રહ્યું છે. સ્ત્રીઓએ માત્ર ઘર સુધી સીમિત ન રહી યુદ્ધના મેદાનથી લઈ ચંદ્ર અને મંગળ સુધી પોતાની ક્ષમતા સાબિત કરી છે. સ્ત્રીમાં નવજીવન સર્જવાની સાથે સંસ્કારોનું સિંચન કરવાની અદ્વિતીય શક્તિ રહેલી છે, જે આવનારી પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે.રોટરી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા આરોગ્યલક્ષી કાર્યોની પ્રશંસા કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક યુગમાં મહિલાઓએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું અનિવાર્ય છે. ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતાં સેવાના મંત્ર સાથે કાર્ય કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે મહિલાઓને આયુષ્માન ભારત અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્ય બહેનોને પણ માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિ સ્વરૂપે માન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણથી લઈને મહાવીર સ્વામી સુધીના મહાન પુરુષોના જીવનમાં માતૃત્વનું મહત્વ રહેલું છે. માતાઓએ પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરીને જવાબદાર અને સશક્ત પેઢીનું નિર્માણ કરવું જોઈએ.આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં નેતૃત્વ કરી શકે છે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે સંવેદનશીલતા તથા પ્રતિબદ્ધતા જરૂરી છે. તેમણે રોટરી જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આવા પ્રયાસો સરકારને પણ નવી દિશા આપે છે. ખાસ કરીને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા પ્રયત્નોને તેમણે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.મંત્રીશ્રીએ સમાજસેવામાં દરેક વ્યક્તિ પોતાના સ્તરે યોગદાન આપી શકે છે તે બાબતે ભાર મૂકતા જણાવ્યું કે, શિક્ષણ, કુપોષણ નિવારણ, ગર્ભ સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર જેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે મહિલાઓને અહિલ્યાબાઈ હોળકર અને સાવિત્રીબાઈ ફૂલે જેવી મહાન મહિલાઓના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, દેશના વિકાસ માટે માતૃશક્તિ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. દીકરીના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં મહિલાઓના સ્વ-વિકાસ, આરોગ્ય જાગૃતિ, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકાયો હતો. ઉપસ્થિત બહેનો માટે આ કાર્યક્રમ પ્રેરણાદાયક અને માર્ગદર્શક મંચ સાબિત થયો હતો, જ્યાંથી તેઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત બન્યા હતા.











