
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટીબી હારેગા, દેશ જીતેગા : કચ્છમાં જનજાગૃતિ લાવવા ૨૪ માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવશે
મુંદરા, તા. ૨૨:
૨૪ માર્ચ એટલે ‘વિશ્વ ક્ષય દિવસ’. આ દિવસે સમગ્ર વિશ્વમાં ટીબી (ક્ષય) પ્રત્યે જાગૃતિ લાવવા અને આ રોગને જડમૂળથી ઉખેડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવે છે. ટીબી એ માત્ર સામાન્ય ઉધરસ નથી પરંતુ જો સમયસર નિદાન અને સારવાર ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ જિલ્લામાં જ્યાં શ્રમિક વર્ગ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોનું પ્રમાણ વિશેષ છે ત્યાં આ રોગ સામેની લડાઈ નિર્ણાયક બની રહે છે.
ભારત સરકારના ‘ટીબી મુક્ત ભારત’ ના મહત્વાકાંક્ષી મિશનને સાકાર કરવા માટે હવે આધુનિક સારવાર પદ્ધતિઓ અમલમાં આવી છે. હવે અગાઉની જેમ લાંબા સમય સુધી ઈન્જેક્શન લેવાની જરૂર નથી. માત્ર ગોળીઓ દ્વારા ટૂંકા ગાળામાં ટીબીને મટાડી શકાય છે. ખાસ કરીને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ (MDR) ટીબીના દર્દીઓ માટે પણ હવે અત્યંત રાહતજનક અને અસરકારક સારવાર ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ ઉધરસ હોય, રાત્રે ઝીણો તાવ આવતો હોય કે વજન ઘટતું જતું હોય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવી અનિવાર્ય છે.
ટીબી સામેની જંગમાં ‘પોષણ’ એ સૌથી મજબૂત હથિયાર છે. સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના (NPSY) અંતર્ગત હવે ટીબીના દર્દીને સારવાર ચાલુ હોય ત્યાં સુધી દર મહિને ૧૦૦૦ રૂપિયાની આર્થિક સહાય સીધી તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જેથી દર્દી પૌષ્ટિક આહાર લઈ શકે. આ ઉપરાંત મુંદરા જેવા તાલુકામાં વિવિધ સ્થાનિક કંપનીઓ દ્વારા સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત જરૂરતમંદ દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ અને પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવે છે. આ સહિયારા પ્રયાસોથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે ઝડપથી સાજો થઈ શકે છે.
દર વર્ષે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે તે માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે શાળા-કોલેજોમાં રેલી, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો આ જનજાગૃતિ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો પણ ખભેખભા મિલાવીને જોડાય તો ચોક્કસપણે આપણે નિર્ધારિત સમયમાં ટીબીનો અંત લાવી ‘ટીબી મુક્ત કચ્છ’ નું સપનું સાકાર કરી શકીશું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




