અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ – સુરેન્દ્રનગરમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે પદયાત્રાનું આયોજન
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા

તા.23/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તેમજ એમ.પી. શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ૨૩ માર્ચ ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનોમાં નાગરિક જાગૃતિ લાવવાના અને સામૂહિક શ્રમનું મહત્વ સમજાવવાના હેતુથી મુખ્ય કાર્યક્રમના આગલા દિવસે, એટલે કે ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ વિશેષ ‘શ્રમદાન’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉ. રમેશ દાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ યુવા ક્લબોના સક્રિય સહકારથી બાલ યુવા સંસ્કાર કેન્દ્ર તેમજ જોરાવરનગર વિસ્તારમાં આવેલા વિવિધ જાહેર બગીચાઓમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સામુદાયિક સેવાની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉજવણીના ભાગરૂપે “માય ભારત, માય રિસ્પોન્સિબિલિટી” થીમ પર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાને કોલેજના પ્રાચાર્ય ડૉ. વજાણી, સુશ્રી મીશા, ડૉ. રમેશ દાવડા અને ધર્મેશ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પદયાત્રામાં યુવાનો હાથમાં સ્વચ્છતા રાષ્ટ્રીય એકતા અને શહીદોના ગૌરવગાન કરતા પ્રેરણાદાયી પ્લેકાર્ડ્સ સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા જે સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ યાત્રા દ્વારા શહેરના નાગરિકોમાં દેશપ્રેમ, સામાજિક જવાબદારી અને નાગરિક શિસ્ત અંગે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ થયો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એમ.પી. શાહ કોમર્સ કોલેજના સ્ટાફ અને સ્વયંસેવકોના સહકારથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ યુવાનોએ શહીદોના આદર્શોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં સકારાત્મક યોગદાન આપવાની તેમજ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી આવા આયોજનો દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને જવાબદાર નાગરિકત્વની ભાવના વધુ પ્રબળ બની છે.




