
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વિશેષ અહેવાલ :
મુંદરામાં પેટ્રોલની અછત નહીં પણ ‘અફવા’ની અસર : બોટલો અને કેનમાં પેટ્રોલ ભરવું એ જીવતા બોમ્બ સમાન, ગભરાટમાં ખરીદી ન કરવા તંત્રની અપીલ
મુંદરા, તા. 23:
છેલ્લા ૨૪ કલાકથી સોશિયલ મીડિયા પર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં અધધ ૨૦ થી ૨૫ રૂપિયાનો વધારો થવાની ફેલાયેલી પાયાવિહોણી અફવાઓએ મુંદરા અને આસપાસના વિસ્તારોમાં ભારે અંધાધૂંધી સર્જી છે. આ ખોટા સમાચારને સાચા માનીને લોકોમાં ભારે ગભરાટ (પેનીક બાયિંગ) જોવા મળી રહ્યો છે જેના પરિણામે જે ગ્રાહકોને દૈનિક માત્ર ૧ લિટરની જરૂર હતી તેઓ પણ ૨૦ થી ૩૦ લિટરનો જથ્થો એડવાન્સમાં ખરીદી રહ્યા છે. આ અચાનક અને બિનજરૂરી માંગને કારણે મુંદરાના હાઈવે અને શહેરની અંદરના વિસ્તારોના અનેક પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી થઈ ગયો છે અને પંપો બંધ કરવાની નોબત આવી છે.
સ્થાનિકે કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બજારમાં પ્લાસ્ટિકના કેનની અછત સર્જાતા લોકો હવે ૨૦ લિટરની બિસલરી પાણીની બોટલોમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે. પેટ્રોલિયમ એક્ટ મુજબ વાહન સિવાયના આવા અસુરક્ષિત પાત્રોમાં ઇંધણ આપવું એ ગંભીર ગુનો બને છે. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ રાખવું એ જીવતા બોમ્બ સમાન જોખમી છે જે ઉનાળાની આકરી ગરમીમાં ગમે ત્યારે સળગીને મોટી હોનારત સર્જી શકે છે. સરકાર અને ઓઈલ કંપનીઓએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ ભાવવધારો થવાનો નથી. મુંદરા તાલુકાના જાગૃત નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ આવી અફવાઓથી દૂર રહે અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળે જેથી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ અને ખરેખર જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી ન પડે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




