KUTCHMUNDRA

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર; ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવીને ૩૧ જુલાઈ ૨૦૨૬ કરાઈ, ૧ જાન્યુઆરી ૨૦૨૬થી મળશે મસમોટો એરિયર્સનો લાભ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

બ્રેકિંગ ન્યૂઝ :

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર; ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવીને ૩૧ જુલાઈ ૨૦૨૬ કરાઈ, ૧ જાન્યુઆરી ૨૦૨૬થી મળશે મસમોટો એરિયર્સનો લાભ

મુંદરા,તા.૪: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચ (8th Central Pay Commission) ને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારત સરકારના આઠમા કેન્દ્રીય પગાર પંચ દ્વારા દેશના તમામ મંત્રાલયો, સરકારી વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી જરૂરી માહિતી અને ડેટા મેળવવા માટેની સત્તાવાર સમયમર્યાદામાં મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આઠમા પગાર પંચના ડેપ્યુટી સેક્રેટરી રવિ પ્રકાશ યાદવ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ (પત્ર નં. ૧૫/૪/૨૦૨૬-ડી.ઓ./૮સીપીસી) અનુસાર અગાઉ વિવિધ વિભાગો પાસેથી ડેટા કલેક્શન પોર્ટલ દ્વારા માહિતી મેળવવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી. પરંતુ દેશના વિવિધ મંત્રાલયો અને વિભાગો નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી ડેટા સબમિટ કરવામાં અસમર્થ રહ્યા હોવાથી તમામ વિભાગોને રજૂઆત અને ડેટા મોકલવાનો પૂરતો સમય મળી રહે તે હેતુથી કમિશને આ છેલ્લી તારીખ લંબાવીને હવે ૩૧ જુલાઈ, ૨૦૨૬ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

રોકડ લાભ માટે થોડી રાહ જોવી પડશે, પરંતુ કર્મચારીઓને કોઈ આર્થિક નુકસાન નહીં થાય! :
કોઈ પણ કર્મચારીને અન્યાય ન થાય તે માટે નિમાયેલી વિશેષ સમિતિ દ્વારા દરેક પાસા અને વિગતોનો બારીકાઈથી વિચાર કરીને આઠમા પગાર પંચની જોગવાઈઓનો આખરી મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડેટા સબમિટ કરવાની તારીખ લંબાવાને કારણે કમિશનના આખરી અહેવાલમાં અને તેનો રોકડ લાભ કર્મચારીઓ સુધી પહોંચવામાં હવે થોડો વધારે સમય લાગશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ જોગવાઈઓ લાગુ થયા બાદ ટૂંક સમયમાં જ તમામ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ સમાન નાણાકીય લાભો મળવાપાત્ર થશે. પરંતુ કર્મચારીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે આ નવા પગાર પંચની અસરો પેલી જાન્યુઆરી ૨૦૨૬ (૦૧.૦૧.૨૦૨૬) થી જ લાગુ પાડી દેવામાં આવી છે. આથી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્મચારીઓને આ સમગ્ર ગાળાનું મસમોટું એરિયર્સ (તફાવત) બીલ ચૂકવવામાં આવશે.

માત્ર ઓનલાઇન ડેટા જ ગ્રાહ્ય રાખવામાં આવશે:
કમિશને પોતાના આદેશમાં તમામ નોડલ અધિકારીઓને કડક સૂચના આપી છે કે જરૂરી વિગતો વિસ્તૃત સમયમર્યાદામાં માત્ર સત્તાવાર ‘ડેટા કલેક્શન પોર્ટલ’ પર ઓનલાઇન જ અપલોડ કરવાની રહેશે. આ પ્રક્રિયાને પારદર્શક રાખવા માટે ઈ-મેલ, એક્સેલ શીટ્સ, પીડીએફ ફાઇલો કે ભૌતિક નકલો જેવા અન્ય કોઈ પણ માધ્યમથી મોકલેલો ડેટા કમિશન દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

(માહિતી અને પ્રસારણ હેતુ માટે જારી – આઠમું કેન્દ્રીય પગાર પંચ, ભારત સરકાર)

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!