GUJARATKUTCHMUNDRA

વિદ્યાસહાયક ભરતી: સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી ઉમેદવારોને ધૈર્ય રાખવા અનુરોધ

બદલી પામેલ શિક્ષકો માટે ખુશખબર: વતનની નજીક જન્માષ્ટમીની ઉજવણી કરી શકશે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

વિદ્યાસહાયક ભરતી: સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી ઉમેદવારોને ધૈર્ય રાખવા અનુરોધ

૦૦૦

બદલી પામેલ શિક્ષકો માટે ખુશખબર: વતનની નજીક જન્માષ્ટમીની ઉજવણી કરી શકશે

 

મુંદરા, તા. ૩૦:

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી ૧૧,૦૦૦ જેટલી કાયમી વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલો પર ફાઇનલ મેરિટ લિસ્ટ અને રૂબરૂ જિલ્લા પસંદગી અંગે ફેલાઈ રહેલી વિવિધ ભ્રામક અફવાઓ વચ્ચે ઉમેદવારોએ સાચી વહીવટી પ્રક્રિયા સમજવી અનિવાર્ય બની છે.

કેટલાક ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા ૩૧ ઓગસ્ટના બપોરે ૨ વાગે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની અફવાઓ વહેતી કરવામાં આવી છે જે તદ્દન પાયાવિહોણી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના સત્તાવાર પરિપત્ર મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિષયવાર ખાલી રહેતી જગ્યાઓની વિગતો ૦૫/૦૯/૨૦૨૬ સુધીમાં મંગાવવામાં આવી છે. ત્યારબાદ તારીખ ૦૧/૦૯/૨૦૨૬ થી ૦૭/૦૯/૨૦૨૬ દરમિયાન ચાલુ શિક્ષકો માટેના વધ-ઘટ બદલી કેમ્પનું આયોજન કરાયેલું છે. આ બદલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે ૯ સપ્ટેમ્બર પછી જ નવી ભરતી માટેની ખાલી જગ્યાઓનું સાચું અને આખરી લિસ્ટ (રોસ્ટર) સ્પષ્ટ થશે. આથી, વાસ્તવિક ભરતી પ્રક્રિયા ૧૫ સપ્ટેમ્બરની આસપાસ શરૂ થવાની પ્રબળ શક્યતા છે.

ડિજિટલ યુગમાં શિક્ષણ વિભાગમાં વરિષ્ઠ અને બાહોશ આઈએએસ અધિકારી ડૉ. મિલિન્દ તોરવણે જેવા સક્ષમ અધિકારીઓ કાર્યરત છે. તેમની દેખરેખ હેઠળનું અત્યાધુનિક ડિજિટલ પોર્ટલ એટલું સક્ષમ છે કે હજારો ઉમેદવારોની ઓનલાઇન જિલ્લા પસંદગી પ્રક્રિયા માત્ર એક કે બે દિવસમાં જ ઘરે બેઠા સફળતાપૂર્વક થઈ શકે એમ છે. આથી કોઈ પણ ઉમેદવારે ફિઝિકલ વેરિફિકેશન કે જિલ્લા પસંદગી માટે રાજ્ય કક્ષાએ (ગાંધીનગર) રૂબરૂ ધક્કા ખાવાની કે ભીડ કરવાનો કોઈ જ અવકાશ રહેતો નથી.

દસ્તાવેજ ચકાસણી (ડીવી) અંગે પણ સ્થાનિક કક્ષાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ જ્ઞાન સહાયક ભરતી વખતે જે રીતે જિલ્લા કક્ષાના નિયત કેન્દ્રો પર ચકાસણી કરવામાં આવી હતી તે જ રીતે આ વખતે પણ સ્થાનિક સ્તરે જ યોજાશે. જિલ્લા પંચાયતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તેમનો વહીવટી સ્ટાફ ખૂબ જ સક્ષમ અને જવાબદારીપૂર્વક તમામ દસ્તાવેજોનું વેરિફિકેશન કરવા માટે સજ્જ છે. શાળા પસંદગીની પ્રક્રિયા પણ જિલ્લા કક્ષાએથી જ હાથ ધરવામાં આવશે. ટૂંકમાં ઉમેદવારે જે જિલ્લામાં નોકરી મેળવવાની ઈચ્છા હોય અને જે જિલ્લો ઓનલાઇન પસંદ કર્યો હોય તે સિવાય અન્ય કોઈ જગ્યાએ જવાની વહીવટી જરૂરિયાત રહેતી નથી.

બીજી તરફ કચ્છ જેવા સરહદી જિલ્લામાં હાલમાં આશરે ૫૦% જેટલી જગ્યાઓ ખાલી હોવાથી બદલી પામેલ શિક્ષકો છુટા થઈ શક્યા નહોતા. હવે નવા પરિપત્ર મુજબ નવી ૧૧,૦૦૦ ની ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં બદલી માટે લાયક જૂના શિક્ષકોની બદલીની પ્રક્રિયા ૭ સપ્ટેમ્બર સુધીમાં કાયદેસર પૂર્ણ કરી દેવાશે. જો કોઈ કાનૂની અડચણ ઊભી નહીં થાય તો બદલી પામેલા આ શિક્ષકો આગામી પવિત્ર કૃષ્ણ જન્મોત્સવ પોતાના વતનના જિલ્લાના ગામની નજીક જ્યાં તેમને નવી નિમણૂક મળશે ત્યાં જ ઉત્સાહપૂર્વક ઉજવી શકશે તેવી વહીવટી સુખદ સંભાવનાઓ દેખાઈ રહી છે.

અંતમાં રાજ્યના તમામ તેજસ્વી ઉમેદવારોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે પોતાના વ્યાપારી સ્વાર્થ અને નવા કોર્સ વેચવા માટે યુટ્યુબ પર રોજબરોજ અફવાઓ ફેલાવતા તત્વોથી પ્રભાવિત થયા વિના માત્ર વિદ્યાસહાયક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર જ ભરોસો રાખવો અને ભરતી પ્રક્રિયાની નવી સૂચના ન આવે ત્યાં સુધી શાંતિથી પોતાનું કાર્ય ચાલુ રાખવું.

Draft Letter_to all DPEO-AO (25)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!