
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/03/2026 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસમાંથી મુક્તિ મેળવવા મદદ માગી હતી. મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ ઝગડો કરતા અને તેમને સીવણ તાલીમમાં જવા રોકતા હતા. માહિતી મળતાં જ રાજપીપળા સ્થિત 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બન્ને પક્ષોનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને એક દીકરી તથા બે દીકરા છે, જેમાં મોટી દીકરી વિકલાંગતા ધરાવે છે. પતિ છૂટક મજૂરી કામ કરે છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મહિલા સીવણ તાલીમ લઈ આત્મનિર્ભર બનવા ઇચ્છે છે. સરકાર તરફથી સીવણ મશીન મળવાનું હોવાથી મહિલા તાલીમ માટે ગામ બહાર જતી હતી.
મહિલા પાસેથી મળેલ માહિતી મુજબ, પતિ તેમને તાલીમમાં જવા દેતા નહોતા અને અવારનવાર નશાની હાલતમાં આવી મારઝૂડ કરતા હતા. ઘટનાના દિવસે પણ પતિએ મહિલાને થપ્પડ મારી હતી. મહિલા પોતાના નાના બાળકને સાથે લઈ તાલીમ માટે જાય છે, છતાં પતિને આ બાબત સ્વીકાર્ય નહોતી. સાસુએ મહિલાના કાર્ય અંગે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
અભયમ ટીમ દ્વારા પતિને સમજાવી મહિલાને તાલીમ પૂર્ણ કરવા દેવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ પતિ નશાની હાલતમાં હોવાથી સમજવા તૈયાર નહોતા. પીડિત મહિલાએ કડક કાર્યવાહી ન કરવાની ઇચ્છા દર્શાવી હતી, છતાં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181 ટીમ દ્વારા મહિલાને દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અરજી કરાવવામાં આવી હતી.
આ રીતે 181 અભયમ ટીમ દ્વારા તાત્કાલિક અને સંવેદનશીલ હસ્તક્ષેપ કરી પીડિત મહિલાને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




