પાલનપુર સિવિલ હોસ્પિટલથી કિર્તીસ્તંભ સુધી ‘ટીબી મુક્ત ભારત’ જનજાગૃતિ રેલી યોજાઈ

25 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે પાલનપુરમાં ભવ્ય રેલી: મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાગરિકોને અપાયું માર્ગદર્શન ટીબી હટાવો – દેશ બચાવો: પાલનપુરના આરોગ્ય વિભાગ દ્વારા રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.આજરોજ ૨૪ માર્ચ, “વિશ્વ ટીબી દિવસ” નિમિત્તે “ટીબી મુક્ત ભારત અભિયાન-૨૦૨૬” અંતર્ગત પાલનપુર ખાતે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સિવિલ હોસ્પિટલ પાલનપુરથી પ્રસ્થાન કરી કિર્તીસ્તંભ થઈ પરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ રેલી દ્વારા ટીબીના રોગ વિશે લોકોને વિગતવાર માહિતગાર કરી, સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને “ટીબી હટાવો-દેશ બચાવો” અને “તપાસ કરાવો – ટીબી હરાવો” જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર દ્વારા લોકજાગૃતિ ફેલાવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સમયસર નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે છે. જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહે, સતત તાવ આવે કે વજનમાં ઘટાડો જણાય, તો તેણે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ એકજૂથ થઈ “ટીબી મુક્ત ભારત” બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી સંજય સોલંકી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મહેશ કાપડિયા તેમજ પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.પી. અનાવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.







