
જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપો પર ભીડ ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો જળવાઈ રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં આજે સાંજે ૪ વાગ્યાની સ્થિતિએ જિલ્લામાં ૮.૨૦ લાખ લિટર પેટ્રોલ અને ૧૧.૭૧ લાખ લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત છે, જે નાગરિકોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ પણ જૂનાગઢ શહેરના પેટ્રોલ પંપની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ, મામલતદાર સહિતના અધિકારીઓએ જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓએ પંપ પર ઉપલબ્ધ જથ્થાની ચકાસણી કરી હતી અને અન્ય સંલગ્ન પ્રશ્નો અંગે પણ વિગતવાર સમીક્ષા કરી હતી. કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પેટ્રોલ ડીઝલની અછત હોવા અંગે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ભ્રામક માહિતી ફેલાવનાર તત્વ અને સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, અફવાઓ અને ભ્રામક માહિતીઓથી દૂર રહેવું પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો લગાવીને હેરાન ન થવું.જિલ્લામાં પેટ્રોલ ડીઝલની આવક અને વિતરણની પ્રક્રિયા સામાન્ય છે અને પુરવઠો સતત મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





