AHAVADANG

ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા અને ગેસ e-KYC મુદ્દે જનતા પરેશાન,જિલ્લા કોંગ્રેસ મેદાને..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઈંધણ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અરાજકતા સામે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ અને ગેસ e-KYC ની પ્રક્રિયામાં પડતી હાલાકી મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આક્રમક મૂડમાં આવી છે.ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારીને મળીને ધારદાર રજૂઆત કરી હતી.છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડ્યું હોવાની અફવાઓ જોર પકડી રહી છે. આ કારણે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેની સીધી અસર નોકરિયાત વર્ગ અને ઇમરજન્સી સેવાઓ પર પડી રહી છે. કોંગ્રેસે માંગ કરી છે કે તંત્ર આ બાબતે સ્પષ્ટતા કરે અને પુરવઠો સુનિશ્ચિત કરે જેથી અંધાધૂંધી અટકે.રાંધણ ગેસના અનિયમિત પુરવઠાને કારણે માત્ર ગૃહિણીઓ જ નહીં, પણ હોટેલ અને નાસ્તાની લારી ચલાવતા નાના શ્રમિકોની રોજીરોટી પર પણ સંકટ આવ્યું છે. વધુમાં, ગેસ જોડાણ માટે ફરજિયાત e-KYC ની પ્રક્રિયામાં સર્વરની ખામીને કારણે આદિવાસી પરિવારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.સ્નેહલ ઠાકરે(પ્રમુખ, ડાંગ જિલ્લા કોંગ્રેસ) એ જણાવ્યું હતું કે,”ગરીબ આદિવાસી પરિવારો કામધંધો છોડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, છતાં ટેકનિકલ ખામીને કારણે તેમને ધક્કા ખાવા પડે છે. આ વ્યવસ્થામાં સુધારો કરવો અનિવાર્ય છે.” -કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે અછતની સ્થિતિનો લાભ લઈને કોઈ તત્વો ઈંધણ કે ગેસના કાળાબજાર ન કરે તે માટે સઘન ચેકિંગ કરવામાં આવે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિ નહીં સુધરે, તો જિલ્લા કોંગ્રેસે જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે..

Back to top button
error: Content is protected !!