
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ભિલોડામાં જંગલમાં આગ લગાડનાર શખ્સ ઝડપાયો, વન વિભાગની કાર્યવાહી
અરવલ્લી જિલ્લાના મોડાસા વન વિભાગ હેઠળ આવતા ભિલોડા રેન્જ વિસ્તારમાં જંગલમાં આગ લગાડનાર એક શખ્સને વન વિભાગે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ભિલોડા રેન્જના કાર્યવિસ્તારમાં આવેલા મોજે વજેપુર જંગલના સર્વે નંબર 220 વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.આ દરમિયાન વજેપુર ગામના બાબુભાઈ લાલજીભાઈ પાંડોર આગ લગાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF), આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.વન વિભાગે આરોપી સામે ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 26(1)(ખ) હેઠળ વન ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. સાથે જ ગુનાના પેટે રૂપિયા 15,000નો દંડ વસૂલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આગ જેવી ઘટનાઓ ન બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.




