AHAVADANGGUJARAT

વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવાં અનુરોધ કરતાં શ્રી વિજયભાઈ પટેલ*

ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર અને નાયબ ખેતી નિયામક (તાલીમ) ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા – ડાંગના ઉપક્રમે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૫૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અઘ્યક્ષ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં સરકાર સહયોગ આપે છે ત્યારે તમામ ખેડૂતોએ જાગૃત થઈ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જોઇએ. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી અત્યંત મહત્વ બની છે. રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો વિશે જાગૃત કરતા શ્રી વિજયભાઈ પટેલે ઉમેર્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. જેના કારણે જ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે. જો આ પદ્ધતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં જમીન પથ્થર જેવી કઠણ થઈ જશે અને ખેતી માટે અયોગ્ય બની જશે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવે તે હાલની જરૂરિયાત બની ગઈ છે. આવનાર પેઢી માટે પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વઘારવા મહત્તમ સરકારી યોજનાઓનો લાભ લેવા શ્રી પટેલે ખેડુતોને અનુરોઘ કર્યો હતો. તેમજ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવાં ખેડૂતોને જણાવ્યું હતું.આ સાથે જ ડાંગના તમામ લોકોને એક સાથે રહી ગામની સમસ્યા નિવારણ માટે એકજુથ બનવા આહવાન કર્યું હતું. તેમજ મહાકાય ડેમો બાબતે લોકોને ભ્રમિત કરતાં લોકોને જાકારો આપી સિંચાઈ સુવિધાઓ ઊભી કરવાં નદીઓ ઉપર નાના નાના ડેમો બનાવવા સરકારને સહયોગ આપવા જણાવ્યું હતું. વધઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ચંદરભાઈ ગાવિતે જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે, ત્યારે આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ડાંગ જિલ્લાના પ્રત્યેક ખેડૂતો વૈજ્ઞાનિક સમજ કેળવીને સ્વયં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પણ જાગૃત કરે તે અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી જે.બી.ડોબરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને વિવિધ બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયાએ પ્રાકૃતિક સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા

આ કાર્યક્રમમાં આઇ ખેડુત પોર્ટલ ઉપર બાગાયતી તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ સહાય અને યોજનાઓનો લાભ લેવાં માટે તમામ ખેડુતોને અનુરોધ કરાયો હતો.

આ પરિસંવાદમાં વધઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત સહિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજય ભગરીયા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી પિયુષ ચૌધરી, નાયબ બાગાયત નિયામક શ્રી તુષાર ભાઈ ગામિત, આચાર્ય કૃષિ કોલેજ ડો. અજય પટેલ, વૈજ્ઞાનિક અને કૃષિ યુનિવર્સીટીના વડા ડો. જે. બી. ડોબરીયા સહિત કૃષિ વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!