વસ્તી ગણતરીમાં લિવ ઇનમાં રહેતા કપલની ગણતરી મેરીડ કપલ તરીકે કરવામાં આવશે.

ભારત આખામાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે દેશમાં આગામી વસ્તી ગણતરીને લઈને સરકારે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનાથી સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે. આ વખતે લોકોને પોતાની વિગતો જાતે જ નોંધાવવાની ખાસ સુવિધા આપવામાં આવી છે. વસ્તી ગણતરીમાં પહેલીવાર કેટલાક નવા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લિવ-ઇન સંબંધમાં રહેતા કપલને પણ પરિણીત યુગલ ગણવામાં આવશે. આ નિર્ણયથી સામાજિક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે.
સરકારના નિયમો મુજબ વસ્તી ગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિએ પોતાની માહિતી માટે દસ્તાવેજી પુરાવા આપવાની જરૂર નહીં રહે. લોકોને માત્ર પોતાના જ્ઞાન અને માન્યતા આધારે સચોટ જવાબ આપવા રહેશે. જ્યારે ગણતરી અધિકારીઓ ફક્ત ઘરના સભ્યો પાસેથી મળેલી માહિતી જ નોંધશે. આ સાથે જ વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે પણ સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. વસ્તી ગણતરી અધિનિયમ 1948 ની કલમ 15 મુજબ એકત્રિત થયેલી માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સાથે શેર કરવામાં આવશે નહીં. આ પગલાંથી લોકોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આવતી 2027ની વસ્તી ગણતરીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ લિવ-ઇન યુગલ પોતાને સ્ટેબલ યુનિયન એટલે કે સ્થાયી સંબંધમાં ગણાવે છે તો તેવા લિવ ઇન કપલને તેમને પરિણીત યુગલ તરીકે ગણવામાં આવશે. આ સ્પષ્ટતા વસ્તી ગણતરીના સ્વ-ગણતરી પોર્ટલના FAQ વિભાગમાં કરવામાં આવી છે. આ પહેલાં પણ ગણતરી દરમિયાન જો કોઈ અપરિણીત યુગલ પોતાને પરિણીત તરીકે રજૂ કરતું હતું, તો તેમની નોંધ તે જ રીતે કરવામાં આવતી હતી. હવે આ બાબતને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. જે સમાજમાં બદલાતા સંબંધોને સ્વીકારવાનો સંકેત આપે છે.
વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે, જેમાં કુલ 45 દિવસનો સમયગાળો રહેશે. પ્રથમ 15 દિવસ લોકો માટે “સ્વ-ગણતરી” માટે રાખવામાં આવ્યા છે. જ્યારે બાદના 30 દિવસમાં અધિકારીઓ દ્વારા માહિતી ચકાસણી અને સંગ્રહ કરવામાં આવશે. સ્વ-ગણતરી પોર્ટલ દ્વારા લોકો અંગ્રેજી સહિત 15 ભારતીય ભાષાઓમાં પોતાની વિગતો ભરી શકશે. આ પ્રક્રિયા સામાન્ય રીતે 15-20 મિનિટમાં પૂર્ણ થઈ જશે. ઘરના વડા અથવા કોઈપણ જવાબદાર પુખ્ત સભ્ય OTP આધારિત ચકાસણી બાદ ફોર્મ ભરી શકશે.



