
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીની અમદાવાદ ખાતે બદલી થતા, વઘઇ ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણી વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને માનભેર વિદાય આપી હતી.વિરલ ગઢવીએ વઘઇ પોલીસ સ્ટેશનમાં પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વકની કામગીરી અને કડક વહીવટ દ્વારા એક અલગ છાપ ઊભી કરી હતી. શરૂઆતના સમયમાં તેમને સ્થાનિક સ્તરે વિરોધનો સામનો કરવો પડ્યો હોવા છતાં, પોતાની કાર્યપ્રતિબદ્ધતા અને જનતા સાથેના સકારાત્મક વ્યવહારને કારણે તેઓ ટૂંક સમયમાં જ લોકવિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા.વિદાય વેળાએ ભાવુક બનેલા વિરલ ગઢવીએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “कर्तव्य पथ पर जो मिला, ये भी सही वह भी सही.” આ પંક્તિ સાથે તેમણે પોતાની વ્યાવસાયિક સફરના અનુભવો વાગોળ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પી.આઈ. વી. કે.ગઢવીની પ્રજાલક્ષી સેવાઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમની આગામી નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્નેહ અને આદરભર્યા વાતાવરણમાં સંપન્ન થયેલા આ કાર્યક્રમે અધિકારી અને જનતા વચ્ચેના અતૂટ સંબંધોની પ્રતીતિ કરાવી હતી..





