AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:-ગુંજી ઉઠ્યા ‘જય શ્રી રામ’ના નાદ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પ્રકૃતિના ખોળે વસેલા અને પ્રભુ શ્રી રામના ચરણ રજથી પાવન થયેલા ડાંગ જિલ્લામાં આજે હનુમાન જન્મોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ડાંગના મુખ્ય મથક આહવા સહિત વઘઈ, સુબિર અને પ્રવાસન ધામ સાપુતારામાં વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયુ હતુ.ખાસ કરીને ડાંગ જિલ્લાને ભગવાન રામના વનવાસ કાળનું ‘દંડકારણ્ય’ માનવામાં આવે છે અને અહીંના અંજનકુંડને હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવતું હોવાથી, આ પર્વનું મહત્વ સ્થાનિકો માટે અનેરું બની રહ્યુ હતુ.આ ઉજવણીના ભાગરૂપે વિવિધ મંદિરોમાં વહેલી સવારે મારુતિ યજ્ઞ, વિશેષ પૂજા-અર્ચના અને હનુમાનજીના પ્રાગટ્ય સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ ભક્તોએ ‘બજરંગબલી કી જય’ અને ‘જય શ્રી રામ’ના ગગનભેદી નારા લગાવી સમગ્ર વાતાવરણને શિવમય અને ભક્તિમય બનાવી દીધું હતુ.અનેક જગ્યાએ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આહવા તાલુકાનાં ભાપખલ,જાખાના સહીતનાં ગામોમાં કેસરીયા ધજા-પતાકા સાથે મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.સાંજના સમયે વિવિધ સ્થળોએ મહાપ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સાપુતારાના ડુંગરોમાં ગુંજતા ઘંટનાદ અને ભજન-કીર્તનને કારણે પ્રવાસીઓ પણ આ આધ્યાત્મિક ઉત્સવમાં સહભાગી બન્યા હતા. જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એકંદરે, ડાંગ જિલ્લામાં આસ્થા અને ઉમંગ સાથે હનુમાન જયંતીની પૂર્ણાહુતિ થઈ હતી..

Back to top button
error: Content is protected !!