
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
સારસ્વતમ સંચાલિત કાનજી ઘેલાભાઈ સાવલા રામાણીયા હાઇસ્કૂલ ખાતે વિદ્યાભારતી ફાઉન્ડેશન અમદાવાદના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય મહિલા સામર્થ્ય કેમ્પનું સફળ આયોજન
‘મહિલા સામર્થ્ય’ કેમ્પથી વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ અને સામાજિક જાગૃતિનો વિકાસ
મુંદરા, તા. 3:
સારસ્વતમ સંચાલિત કાનજી ઘેલાભાઈ સાવલા રામાણીયા હાઇસ્કૂલ ખાતે તા.૨૩ થી ૨૫ માર્ચ દરમિયાન ધોરણ ૯ની વિદ્યાર્થિનીઓ માટે ત્રિદિવસીય ‘મહિલા સામર્થ્ય’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વિદ્યાભારતી ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી હરેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ સાથે સામાજિક જાગૃતિ અને પોતાના અધિકારો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો.
કેમ્પ દરમિયાન વિદ્યાભારતી ફાઉન્ડેશનના શિક્ષકો આરતીબેન દનીચા, આયુષીબેન રાજગોર, નેહાબેન મહેશ્વરી, મનિષાબેન દનીચા અને મનિષાબેન પાતાળિયાએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ દિવસે લિંગ અસમાનતા, લિંગભેદ, માસિક ધર્મ સંબંધિત અંધશ્રદ્ધાઓ અને સ્ત્રીઓ સામે થતી હિંસા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તથા સ્વરક્ષણ અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીજા દિવસે કરિયર માર્ગદર્શન, આર્થિક આત્મનિર્ભરતા, લગ્ન અંગેની સમજણ અને પિતૃસત્તાક સમાજ અંગે માહિતી આપવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાયું હતું.
ત્રીજા દિવસે આત્મ વિશ્વાસ, સ્વાધીનતા અને સ્ત્રી-પુરુષ સમાનતા અંગે પ્રેરણા આપવામાં આવી હતી. અંતિમ દિવસે વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને સ્ત્રી સશક્તિકરણના સંદેશને જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શાળાના આચાર્યા જયશ્રીબેન બાબુલાલ ત્રિવેદીએ આ પ્રકારના કેમ્પોને દીકરીઓ માટે જરૂરી ગણાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલમાં પૂર્ણ થયો હતો.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




