કેન્દ્ર સરકારે UGC ની સલાહ પર NCERT ને ‘ડીમ્ડ યુનિવર્સિટી’ નો દરજ્જો આપ્યો

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને દૂરોગામી નિર્ણય લેતા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની ભલામણ અને નિષ્ણાત સમિતિના સકારાત્મક અહેવાલ બાદ આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2026 માં મળેલી UGC ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી મળી હતી, જેના પગલે હવે NCERT ને એક પૂર્ણ કક્ષાની યુનિવર્સિટી તરીકે સ્વાયત્તતા પ્રાપ્ત થઈ છે. આ ફેરફારથી હવે NCERT શૈક્ષણિક સંશોધન અને તાલીમની સાથે સાથે સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી જેવી ડિગ્રીઓ પણ આપી શકશે.
જોકે, આ દરજ્જો કેટલીક કડક શરતોને આધીન છે. NCERT એ સરકારની પૂર્વ મંજૂરી વિના પોતાની મિલકતો કે ભંડોળ અન્યત્ર ટ્રાન્સફર કરી શકશે નહીં અને સંસ્થા કોઈપણ વ્યવસાયિક નફાકારક પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં. શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે સંસ્થાએ NAAC અને NBA જેવી સંસ્થાઓ પાસેથી માન્યતા મેળવવી પડશે અને દર વર્ષે NIRF રેન્કિંગમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓના પ્રવેશ, ફીનું માળખું અને નવા કોર્સ શરૂ કરવા બાબતે પણ UGC ના નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ નિર્ણયથી દેશમાં શિક્ષણના સંશોધન અને શિક્ષક તાલીમની ગુણવત્તામાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.




