MORBI:મોરબી મહાનગરપાલિકા જંગ: ટિકિટ વાંચ્છુઓની ભીડ વચ્ચે જનતાનો મિજાજ ગરમ

MORBI:મોરબી મહાનગરપાલિકા જંગ: ટિકિટ વાંચ્છુઓની ભીડ વચ્ચે જનતાનો મિજાજ ગરમ
ચૂંટણીનો શંખનાદ વાગતાજ મોરબી ૪૨૭ નેતાઓ ‘જનસેવા’ના રવાડે! ટિકિટ માટે દોડધામ – કોનું પત્તું કપાશે અને કોની લોટરી લાગશે તે જોવું રહ્યું.
મોરબીમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે જે રીતે દાવેદારોની લાઈનો લાગી છે, તેને જોઈને શહેરની પીડા ભોગવતી જનતામાં અનેક તીખા સવાલો ઊભા થયા છે.
ભૂતકાળનું પુનરાવર્તન કે સુધારાની આશા? ગત નગરપાલિકા ચૂંટણીમાં મોરબીની જનતાએ ભાજપ પર અપાર વિશ્વાસ મૂકીને 52માંથી 52 બેઠકો સોંપી હતી. પરંતુ, આ ભવ્ય વિજય બાદ શહેરની સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ઉભરાતી ગટરો, ખાડાવાળા રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ.ભ્રષ્ટાચારના આક્ષેપો: નંદીઘર જેવા પ્રોજેક્ટ્સમાં આચરવામાં આવેલી ગેરરીતિઓએ જનતાના રોષમાં ઘી હોમ્યું છે.
વહીવટદાર શાસન અને નેતાઓની ‘ગેરહાજરી’ઝૂલતા પુલની ભયાનક દુર્ઘટના બાદ નગરપાલિકા સુપરસીડ થઈ અને વહીવટ તંત્રના હાથમાં આવ્યો. આ કપરા સમયમાં અને ત્યારબાદ પણ જ્યારે લોકો રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઈટ માટે વલખાં મારતા હતા, ત્યારે ગણ્યાગાંઠ્યા નેતાઓ સિવાય ભાજપની આખી ફોજ ગાયબ રહી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી હતી કે લોકોએ હક મેળવવા માટે “રસ્તા રોકો” જેવા આંદોલનોનો સહારો લેવો પડ્યો હતો.ચૂંટણી આવતા જ ‘સેવાભાવ’ જાગ્યો!જે નેતાઓ આંદોલન સમયે લોકોની વચ્ચે જવામાં ખચકાતા હતા, તેઓ હવે ચૂંટણી નજીક આવતા જ ભાજપ કાર્યાલયના પગથિયાં ઘસી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સામાન્ય નાગરિકોમાં ચર્ચા છે કે:”જો આ નેતાઓએ સાચા અર્થમાં જનતાના પ્રશ્નો ઉકેલ્યા હોત, તો આજે ટિકિટ માટે ભલામણો કરાવવાની કે લાઈનોમાં ઊભા રહેવાની જરૂર જ ન પડી હોત. જનતા પોતે જ તેમને આવકારવા તૈયાર હોત.”
જનતાનો સવાલ: આ વખતે કયા મુદ્દે મતદાન? મોરબીની જાગૃત જનતા હવે આ આંકડા અને દાવાઓને કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનું રહેશે. શું લોકો જૂની વાતો ભૂલીને ફરી એકવાર પક્ષના નામે મતદાન કરશે, કે પછી પોતાની પાયાની જરૂરિયાતો માટે લડનારા સાચા પ્રતિનિધિને પસંદ કરશે? મોરબીની પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી માત્ર નેતાઓનું ભવિષ્ય નહીં, પણ મોરબીના આગામી 5 વર્ષના વિકાસ અને સુખાકારીનું ભાવિ નક્કી કરશે. ટિકિટ વાંચ્છુઓની ભીડ વચ્ચે ખરા અર્થમાં ‘જનતાનો સેવક’ કોણ બને છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.










