
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના વોર્ડ નંબર ૧ માં સામાન્ય વરસાદી ઝાપટાંએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી: રોગચાળાની ભીતિ વચ્ચે રહીશો લાચાર
મુંદરા, તા. 4:
મુંદરા શહેરમાં મેઘરાજાના આગમન સાથે જ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. શહેરના વોર્ડ નંબર ૧ માં આવતા વિવિધ વિસ્તારોમાં માત્ર વરસાદના થોડાક છાંટા પડતાની સાથે જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચાઈના ગેટ, આગાખાન સ્કૂલ વાળો રોડ, સાન્યા પ્રોપર્ટી તેમજ દિયા પાર્ક-૧ અને ૨ જેવા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. રસ્તાઓ પર ભરાયેલા આ પાણીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશોમાં આ ગંદા પાણીના ભરાવાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરાયેલા સ્થિર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને તેના કારણે મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવો જીવલેણ રોગચાળો ફેલાવાની ગંભીર સંભાવના સેવાઈ રહી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સમસ્યા ઉભી થતી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
વર્તમાન સ્થિતિમાં પાલિકાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી હાલ આ વિસ્તારમાં કોઈ ચૂંટાયેલા કાઉન્સિલર પણ કાર્યરત નથી. લોકપ્રતિનિધિઓના અભાવે પ્રજાની વેદના સાંભળનાર કોઈ ન હોવાથી લોકોમાં ‘અમારી સમસ્યાનો હલ કોણ લાવશે?’ તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. વરસાદી સીઝનની શરૂઆતમાં જ જો આ હાલત હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદમાં લોકોની સ્થિતિ વધુ કફોડી બનશે. તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારોમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




