
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વોટર ચેમ્પિયન તરીકે ઓળખાતા ચીખલી તાલુકાના મોગરાવાડી ગામની ગૌરવશાળી મહિલા નીતાબેન અસુભાઈ પટેલને મહિલા અને બાળકલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કછોલીના શ્રી કિકુભાઇ ગુલાબભાઇ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “શ્રી કિકુભાઇ નાયક સન્માન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સેવાઓને માન આપતાં ટ્રસ્ટ દ્વારા સ્વસ્થ સમાજ અને ઉજ્જવળ ભવિષ્ય માટેના તેમના યોગદાનની ઊંચી કદર કરવામાં આવી હતી.
નીતાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ડાંગ, ધરમપુર, કપરાડા તેમજ નાસિક જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં પાણી સંવર્ધન માટે સતત કાર્યરત છે. તેમણે પાણી બચત અને સંરક્ષણ અંગે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ ફેલાવી અનેક લોકોને પ્રેરિત કર્યા છે.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડૉ. નિરવ પટેલે કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે નીતાબેન અમારા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જો નીતાબેન જેવી માત્ર 100 મહિલાઓ સમાજસેવા અને દેશસેવામાં આગળ આવશે તો દક્ષિણ ગુજરાતના ગરીબ અને પછાત વર્ગના લોકોના જીવનમાં મોટો પરિવર્તન લાવી શકાય છે.





