ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું: રૂ. 50,000 નો દંડ વસૂલાયો

આણંદ આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું: રૂ. 50,000 નો દંડ વસૂલાયો

​તાહિર મેમણ – આણંદ – 29/08/2026 – આણંદ – આગામી દિવસોમાં તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ શહેરીજનોને શુદ્ધ, ગુણવત્તાસભર અને સલામત આહાર મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાદ્ય દુકાનો અને કેટરિંગ સંસ્થાઓમાં અચાનક સરપ્રાઈઝ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

 

​સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, યોગ્ય સંગ્રહ, સ્વચ્છતા અને હાઇજીન જેવા વિવિધ આરોગ્યલક્ષી પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ન જાળવતી સંસ્થાઓ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની આ અચાનક કાર્યવાહીથી બેદરકારી દાખવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

​આરોગ્ય વિભાગની તપાસમાં ગંભીર ખામીઓ જણાતા કુલ રૂ. 50,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતાના અભાવ બદલ ‘મસ્તાના બેસ્ટ દાબેલી’ પાસેથી રૂ. 15,000 અને ભારે ગંદકી જણાતા ‘અલ નૂર કેટરસૅ’ પાસેથી રૂ. 30,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ ઉપરાંત, એક્સપાયરી થયેલ ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવા બદલ ‘રામ ક્રિષ્ના અમુલ પાર્લર’ ને રૂ. 5,000 નો દંડ કરવામાં આવ્યો હતો.

 

​મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વેપારીને, દુકાનદાર, હોટલ માલિક, ખાદ્ય સામગ્રી વેચનાર ને બક્ષવામાં આવશે નહીં. તહેવારોના દિવસોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી રોકવા માટે આ પ્રકારની સઘન તપાસ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ ખાદ્ય વિક્રેતાઓને હોટલ અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા તમામ વેપારીઓને સ્વચ્છતા અને હાઈ જીન જાળવવા અને શુદ્ધ ખોરાકનું જ વેચાણ કરીને સ્વસ્થ શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!