PALSANASURAT

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસની મોટી સફળતા: કન્ટ્રક્શન સાઈટ પર ચોરી કરનાર રીક્ષા ચાલક ઝડપાયો, મુદ્દામાલ કબજે

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવાની દિશામાં મહત્વની સફળતા મેળવી છે. ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાં થયેલ ચોરીનો ગુનો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે ગત તારીખ ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ ખરભાસી ગામની સીમમાં આવેલા યશ્રી કન્ટ્રક્શનના ફ્લાય એશ બ્રિક પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો ઇલેક્ટ્રિક મોટરો અને CCTV કેમેરા મળી કુલ રૂ. ૪૨,૨૦૦/- ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એ. દેસાઈના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવિણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઇ ગફુરભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ચોરીનો મુદ્દામાલ એક લોડિંગ રીક્ષામાં ભરીને એક ઇસમ વરેલી પાટીયા તરફ વેચાણ માટે આવવાનો છે બાતમીના આધારે પોલીસે વરેલી પાટીયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બ્લ્યુ કલરની અતુલ લોડિંગ રીક્ષા (નંબર: GJ-05-AZ-1960) આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી હતી. રીક્ષા ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પપ્પુ શાંતિભાઈ સોલંકી (સલાટ) હોવાનું જણાવ્યું હતું. રીક્ષામાં રહેલા સામાનના આધાર પુરાવા માંગતા તે આપી શક્યો નહોતો અને આખરે તેણે તેના સાથીદારો કિશન અને રવી સાથે મળીને યશ્રી કન્ટ્રક્શનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

કબજે કરેલો મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૭૭,૨૦૦/-)

પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

* ૭.૫ HP ની ઇલેક્ટ્રિક મોટર (નંગ-૦૨): કિંમત રૂ. ૨૪,૦૦૦/-

* ૨ HP ની કનવેયર બેલ્ટ મોટર (નંગ-૦૧): કિંમત રૂ. ૭,૦૦૦/-

* CCTV કેમેરા (નંગ-૦૩): કિંમત રૂ. ૫,૨૦૦/-

* મેમરી કાર્ડ તથા વાઇફાઇ રાઉટર: કિંમત રૂ. ૬,૦૦૦/-

* અતુલ લોડિંગ રીક્ષા: કિંમત રૂ. ૩૫,૦૦૦/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ, પીએસઆઈ બી.બી. વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ, વનરાજસિંહ, કનકસિંહ અને અલ્તાફભાઇ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધી ફરાર અન્ય બે આરોપીઓ (કિશન અને રવી) ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ

Back to top button
error: Content is protected !!