AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ: 1900 શાળાઓના 1.5 લાખ વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ માટે આગળ આવ્યા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan) અભિયાનને વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરની આશરે 1900 શાળાઓના 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે, જે મતાધિકાર અંગે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ છે.

શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને ‘સ્વેપ’ નોડલ અધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ પોતાના પરિવાર તથા સમાજને મતદાન માટે પ્રેરિત કરે તે હેતુસર વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ અભિયાન અંતર્ગત ચિત્રકામ, નિબંધ લેખન, સ્લોગન સ્પર્ધા, પોસ્ટર બનાવટ, સાયકલ રેલી, સેલ્ફી પોઈન્ટ અને સિગ્નેચર કેમ્પેઈન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અને ‘મારો મત, મારી તાકાત’ જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ કાઢી નાગરિકોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા.

આ અભિયાનનું એક વિશેષ આકર્ષણ NCC, NSS અને સ્કાઉટ-ગાઇડના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી રહ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિસ્તારોમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા ‘શતાયુ મતદારો’ સાથે મુલાકાત કરી તેમના મતદાન પ્રત્યેના અડગ સંકલ્પ અને અનુભવોને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જે અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વાલીઓ અને પડોશીઓને મતદાન અંગે જાગૃત કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મેસેજિંગ, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત સંપર્કનો ઉપયોગ કરીને 100 ટકા મતદાન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શાળાઓમાં ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ્સ પણ યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યાંથી ‘I Vote for Sure’ જેવા સંદેશો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વહેંચાઈ રહ્યા છે.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ શત-પ્રતિશત મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગના આ પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે શાળાઓ માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ અભિયાન દ્વારા ઘરે-ઘરે લોકશાહીના આ મહાપર્વનો સંદેશ પહોંચાડવામાં સફળતા મળી છે, જે આવનારી ચૂંટણીમાં નોંધપાત્ર મતદાન વધારવામાં સહાયક બનશે.

Back to top button
error: Content is protected !!