ઇઝરાયલે લેબનોન પર લગભગ 100 મિસાઇલો છોડી જેના કારણે 254 લોકોનાં મોત

મધ્ય પૂર્વમાં તણાવ શાંત થવાની આશા વચ્ચે ફરી એકવાર હિંસાની લહેર ફાટી નીકળી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલા અસ્થાયી યુદ્ધવિરામ પછી વિસ્તારને થોડો રાહત મળશે એવી ધારણા હતી, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. યુદ્ધવિરામ લાગુ પડ્યા બાદના થોડા જ સમયમાં ઇઝરાયલે લેબનોન પર હુમલાઓ ચાલુ રાખતા સ્થિતિ ફરીથી ગંભીર બની ગઈ છે.
માહિતી અનુસાર, માત્ર 10 મિનિટના ગાળામાં જ ઇઝરાયલે લેબનોન પર લગભગ 100 મિસાઇલો છોડી જેના કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. આ હુમલાઓએ દર્શાવ્યું છે કે, યુદ્ધવિરામ છતાં પ્રદેશમાં તણાવ હજી યથાવત છે અને હિંસા અટકવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
આ સમગ્ર મામલે અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે, લેબનોન યુદ્ધવિરામ કરારનો ભાગ નથી. અમેરિકાના ઉપપ્રમુખ J. D. Vanceએ જણાવ્યું કે, આ સમજૂતી માત્ર અમેરિકા અને ઈરાન વચ્ચે મર્યાદિત છે અને તેમાં લેબનોન અથવા હિઝબુલ્લાહનો સમાવેશ થતો નથી. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ થઈ છે.
ઇઝરાયલના વડાપ્રધાન Netanyahuએ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે, ઇઝરાયલ અમેરિકા સાથેના સમજૂતીને માન આપે છે, પરંતુ જ્યાં સુધી હિઝબુલ્લાહ જેવી સંગઠનોની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી સુરક્ષા માટે પગલાં લેવામાં આવશે. ઇઝરાયલ માને છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સક્રિય હોવાથી તે વિસ્તાર યુદ્ધવિરામથી અલગ ગણાય છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું કે લેબનોન પર ચાલી રહેલી કાર્યવાહી યુદ્ધવિરામનો ભાગ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે હિઝબુલ્લાહને ધ્યાનમાં રાખીને આ એક અલગ પ્રકારનો સંઘર્ષ છે, જેને અલગ રીતે હલ કરવાની જરૂર છે.





