
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ જિલ્લામાં સરકારી આરોગ્ય તંત્ર દ્વારા વર્ષમાં ૧૫,૦૦૦ થી વધુ સફળ ડિલિવરી કરવામાં આવી
કચ્છમાં સરકારી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા જિલ્લા આરોગ્ય તંત્ર અને કર્મચારી મંડળ વચ્ચે રચનાત્મક બેઠક યોજાઈ
ભુજ, તા. 9: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તાજેતરમાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી અને કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અઢી કલાક ચાલેલી આ બેઠકમાં જિલ્લાની આરોગ્ય સેવાઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અત્યંત હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ અંગે સ્પષ્ટતા કરતા મંડળના મીડિયા કન્વીનર પ્રકાશ ઠકકરે જણાવ્યું હતું કે અગાઉ જે ૮૮૦ ડિલિવરીનો આંકડો દર્શાવવામાં આવ્યો હતો તે માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતો મર્યાદિત હતો.
સમગ્ર કચ્છ જિલ્લામાં તાલુકા, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ સહિતના સરકારી કેન્દ્રોમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૫,૦૦૦ થી વધારે સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી છે. સરકારની ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની નીતિ હેઠળ જટિલ કેસોમાં માતા અને બાળકની સલામતી અને મરણ દર ઘટાડવાના ઉદેશ્ય સાથે તાલુકા અને જિલ્લાકક્ષાએ વધુ સંસ્થાકીય સુવાવડ કરાવવામાં આવી રહી છે. અગાઉની પ્રેસનોટમાં માત્ર ગ્રામ્ય સ્તરની સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ગ્રામ્યકક્ષાએ કરવામાં આવતી ડીલેવરીને બદલે તાલુકા અને જિલ્લાની સરકારી હોય કે ખાનગી પણ સરકારના નવા અભિગમ મુજબ મરણ દર ઘટાડવાના ઉમદા ઉદેશ્ય સાથે હોસ્પિટલ ખાતે કરવામાં આવતી કામગીરી એકંદરે સરાહનીય છે.
બેઠક દરમિયાન જિલ્લાકક્ષાની એકમાત્ર અદાણી હોસ્પિટલ (જી.કે. જનરલ) માં વસૂલવામાં આવતા ચાર્જ અંગે પણ ચર્ચા થઈ હતી. આ બાબતે ડો. ભંડેરી દ્વારા હકારાત્મક અભિગમ દાખવતા જણાવવામાં આવ્યું છે કે જે લાભાર્થીઓ પાસેથી ડિલિવરી માટે ચાર્જ લેવામાં આવ્યો હોય તેઓ જો પોતાના બિલ અને પુરાવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં રજૂ કરશે તો તે રકમ પરત અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી જિલ્લાના સામાન્ય વર્ગના દર્દીઓને મોટી આર્થિક રાહત મળશે.
આરોગ્ય મંડળ દ્વારા ગંભીર બીમારીથી પીડાતા કર્મચારીઓના પેન્શન અને સ્વેચ્છિક નિવૃત્તિ અંગે કરવામાં આવેલી રજૂઆતને તંત્રએ અત્યંત સંવેદનશીલતાથી લીધી છે. આરોગ્ય અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવા કર્મચારીઓને ન્યાય મેળવવા માટે કોર્ટ કે અન્ય કાયદાકીય પ્રક્રિયામાં ન પડવું પડે તે માટે તંત્ર સામેથી પહેલ કરી તમામ કાયદેસરના લાભો વહેલી તકે મળે તે માટેની વહીવટી પ્રક્રિયા ત્વરિત ગતિએ પૂર્ણ કરશે.
ભવિષ્યમાં તંત્ર અને કર્મચારી મંડળ સાથે મળીને સરકારી સંસ્થાઓમાં ડિલિવરીનું પ્રમાણ વધે અને ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની થીમ સાર્થક થાય તે દિશામાં કાર્ય કરશે. આમ કર્મચારી મંડળની જાગૃત રજૂઆત અને જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગી વલણને કારણે લોકહિત અને કર્મચારી હિતના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો હતો.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




