વૃંદાવનમાં કેશી ઘાટ પાસે યમુના નદીમાં પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી જતાં 10 શ્રદ્ધાળુઓના મોત

વૃંદાવનમાં કેશી ઘાટ પાસે યમુના નદીમાં પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી જતાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ હોડીમાં 30થી વધુ લોકો સવાર હતા, જેઓ પંજાબના લુધિયાણાથી દર્શન માટે આવ્યા હતા. તેજ પવનને કારણે હોડી નિયંત્રણ બહાર જઈને પીપા પુલ સાથે ટકરાઈ હતી અને પલટી ગઈ હતી. NDRF, SDRF અને સ્થાનિક લોકોની મદદથી હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે.
આ કરુણ ઘટના શુક્રવારે બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. પંજાબના લુધિયાણાથી પ્રવાસીઓનો એક સમૂહ વૃંદાવનના પ્રસિદ્ધ શ્રી બાંકે બિહાર મંદિરના દર્શન કર્યા બાદ કેશી ઘાટ પર યમુના નદીમાં નૌકાવિહારનો આનંદ માણી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ફૂંકાયેલા જોરદાર પવનને કારણે હોડી ચલાવનાર નાવિકનું નિયંત્રણ ખોરવાઈ ગયું હતું. આ બેકાબૂ હોડી નદી પર બનેલા અસ્થાયી પીપા પુલ (પોન્ટૂન બ્રિજ) સાથે જોરદાર રીતે અથડાઈ હતી અને જોતજોતામાં ઊંડા પાણીમાં પલટી ગઈ હતી. હોડી પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને નજીકમાં હાજર લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.
મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ચંદ્ર પ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર, હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો સાથે અંદાજે 50 સ્થાનિક ગોતાખોરોને બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 22 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.





