NATIONAL

સુપ્રીમ કોર્ટે 26 ભારતીય નાગરિકો વતી દખલગીરી કરવાનો નિર્ણય લીધો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં અનિચ્છાએ લડવા મજબૂર બનેલા ભારતીયોનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. શુક્રવારે (10 એપ્રિલ, 2026) સુપ્રીમ કોર્ટે 26 ભારતીય નાગરિકો વતી દખલગીરી કરવાનો નિર્ણય લીધો છે, જેમણે દાવો કર્યો છે કે તેઓ ત્યાં ફસાયેલા છે અને તેમની પાસે બળજબરીથી યુદ્ધ લડાવવામાં આવી રહ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે. જસ્ટિસ બાગચીએ આ કેસમાં સ્પષ્ટપણે માનવ તસ્કરીનો એન્ગલ હોવાનું જણાવ્યું હતું. CJI સૂર્યકાંતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સંબોધતા કહ્યું કે, એવા આક્ષેપ છે કે ગેરકાયદે ભરતી રેકેટ્સ દ્વારા નિર્દોષ યુવાનોને ઉંચા પગારની નોકરીની લાલચ આપી વિદેશ લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના પાસપોર્ટ જપ્ત કરી રશિયન આર્મીમાં ભરતી કરી દેવામાં આવે છે. તુષાર મહેતાએ પણ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર ગણાવી છે.

અરજદારો વતી હાજર રહેલા વકીલે કોર્ટને વિનંતી કરી કે, અમે રશિયામાં ફસાયેલા છીએ. અમે અનિચ્છાએ વિદેશી રાજ્ય માટે લડી રહ્યા છીએ. અમે કાં તો મૃત્યુ પામીશું અથવા ઘાયલ થઈશું. અમે અત્યંત વિકટ પરિસ્થિતિમાં છીએ. અરજીમાં દાવો કરાયો છે કે, આ યુવાનો ગેરકાયદે રિક્રુટમેન્ટ અને શોષણનો ભોગ બન્યા છે, છતાં હજુ સુધી એજન્ટો વિરુદ્ધ કોઈ FIR નોંધાઈ નથી.

અરજી દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે નીચેની દિશાનિર્દેશો માંગવામાં આવ્યા છે. કોર્ટે તાત્કાલ રાજદ્વારી પગલાં લઇ રશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ નાગરિકોની સુરક્ષા અને તેમના ઠેકાણાની તપાસ કરવામાં આવે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવે. મેડિકલ અને કાનૂની મદદ સાથે ફસાયેલા ભારતીયોને યોગ્ય તબીબી સારવાર અને કાનૂની સહાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. ગેરકાયદે ભરતી કરનારા એજન્ટોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા પણ નિર્દેશો અપાયા છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર અત્યાર સુધી લેવાયેલા પગલાં અને મદદ પોર્ટલ પર નોંધાયેલી વિગતો રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 24 એપ્રિલ ના રોજ થવાની શક્યતા છે. આ મામલામાં કેન્દ્ર સરકાર ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશની સરકારોને પણ પક્ષકાર બનાવવામાં આવી છે, કારણ કે મોટાભાગના યુવાનો આ રાજ્યોના વતની હોવાનું મનાય છે.

Back to top button
error: Content is protected !!