
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : પાવન સિટી સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર સાથે સોસાયટીના રહીશોનો ઉગ્ર વિરોધ
*મોડાસા નગર પાલિકા પ્રાથમિક સુવિધાઓ ન આપતી હોવાનો આક્ષેપ*
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ચૂંટણી જાહેર થતાની સાથે અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કારની બૂમો ઉઠી રહી છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ અને સૌથી મોટી રહેણાંક સોસાયટી પાવન સિટીમાં વસવાટ કરતા રહીશોએ પ્રાથમિક સુવિધાઓ નગરપાલિકા અન્યાય કરતી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે “કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં” તેવા બેનરો લગાવી દીધા છે

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી પાવન સિટી સોસાયટીના રહીશોએ મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા 100 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ સાથે સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષના પ્રવેશ પર નિષેધ અંગેના બેનરો લગાવી દીધા છે પાવન સિટીની અંદર સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં, સ્ટ્રીટ લાઇટનો અભાવ, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ અને રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે. આ સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વધુમાં, રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના સભ્યો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળીને પાવન સિટી સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે.સોસાયટીના રહીશોએ “સુવિધા નહીં તો વોટ પણ નહીં” ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ રોષ મતપેટી દ્વારા વ્યક્ત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





