
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની સાધલી-શિનોર બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સાધલી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી શિનોર સેવાસદન ખાતે પ્રસ્થાન કર્યું હતું.
શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના ઉમેદવારોએ દાવો કર્યો હતો કે તેઓ આ ચૂંટણીમાં બહુમતી સાથે જીત હાંસલ કરશે.
હવે તમામની નજર મતદાન અને પરિણામ પર ટકેલી છે, જ્યાં મતદારોનો ચુકાદો નક્કી કરશે કે શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર કઈ પાર્ટી સત્તા સ્થાપિત કરશે.




