સુરત SMC ચૂંટણી: વેલંજા ખાતે જનસભા યોજી AAPએ રણશિંગું ફૂંક્યું

આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકા (SMC)ની ચૂંટણીના પ્રચાર અંતર્ગત વોર્ડ નંબર 4ના વિશાલનગર ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પ્રદેશ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડ નંબર 2ના ઉમેદવારો કિરણ મેઘાણી, તુલસી લાલૈયા, દયા પાનસુરીયા અને પરિમલ કાનાણી સાથે સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. જનસભાને સંબોધિત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં સમગ્ર ગુજરાતમાં એક જબરદસ્ત રાજકીય વંટોળ ઊભો થયો હતો અને કરોડો લોકોએ ચૂંટણી પ્રક્રિયા, વિવિધ પક્ષોના કેમ્પેઇન અને પરિણામોને ધ્યાનપૂર્વક નિહાળ્યા હતા. પરિણામ બાદ તેઓ પહેલી વખત વિધાનસભામાં ગયા ત્યારે તેમણે ન્યાય માટે કરેલી કામગીરી પણ સૌએ જોઈ છે. તેમણે આગળ જણાવ્યું કે ગયા વર્ષે સુરતમાં આમ આદમી પાર્ટીએ ઇતિહાસ રચતા 27 કોર્પોરેટરો જીતાડ્યા હતા જે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું અને અનેક મુશ્કેલીઓ તથા અવરોધો વચ્ચે પણ પાર્ટીએ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો જેના પરિણામે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની કાર્યરત છે. તેમણે જણાવ્યું કે વરાછા, કતારગામ, પૂણા અને સરથાણા વિસ્તારોમાં પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રોડ, શાળાઓ અને ડ્રગ્સના મુદ્દાઓ પર કામ થયું જેના કારણે ઉધના, લિંબાયત, ભાગલ અને ચોક સહિતના વિસ્તારોમાં લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને પરિવર્તનની ઈચ્છા જાગી છે, જ્યારે વિસાવદરના ખેડુતોની ક્રાંતિએ આ ભાવનાને વધુ મજબૂત બનાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના વકીલ, પોલીસ અને સરકારી ક્ષેત્રના મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે સમગ્ર સુરતમાં જોરદાર ચૂંટણી માહોલ છે અને લોકો પરિવર્તન માટે આતુર છે. તેમણે કહ્યું કે ગયા વખતે કેટલાક વિસ્તારો આગળ આવ્યા હતા પરંતુ હવે તમામ વિસ્તારોના લોકો વિચારતા થયા છે કે તેઓ કેમ પાછળ રહે, ખાસ કરીને વરાછા વિસ્તારમાં શાળાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને સત્તામાં ન હોવા છતાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ માટે સતત પ્રયત્નો કર્યા છે. તેમણે જણાવ્યું કે પદથી મળતી ખુશી તાત્કાલિક હોય છે પરંતુ લોકોના દિલમાં મળેલું સ્થાન કાયમી રહે છે અને આ સંઘર્ષ વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર જનતા માટે છે.
ગોપાલ ઇટાલિયાએ જનસભાને સંબોધતા કહ્યુ કે આજકાલ કેટલાક લોકો ભારતને વિશ્વગુરુ બનાવવાના દાવા કરે છે પરંતુ જ્યારે સરકારી શાળાઓની સ્થિતિ નબળી હોય, શિક્ષકોની અછત હોય અને બાળકોને ભણવા માટે લોન લેવી પડે ત્યારે દેશ વિશ્વગુરુ કેવી રીતે બને તે પ્રશ્ન છે. તેમણે ગામડાઓમાં શાળા, દવાખાના અને રોજગારના અભાવ, અસામાજિક તત્વોના ત્રાસ અને તેના કારણે થયેલા સ્થળાંતરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના અનેક પરિવારો સુરતમાં આવીને પણ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. તેમણે જણાવ્યું કે સરકાર પાસે પૂરતા નાણાં હોવા છતાં યોગ્ય નિયતના અભાવને કારણે વિકાસકાર્ય પૂરતા પ્રમાણમાં થતું નથી અને સુરત મહાનગર પાલિકાનું દસ હજાર કરોડ અને ગુજરાત સરકારનું ચાર લાખ કરોડનું બજેટ હોવા છતાં અનેક વિસ્તારોમાં ગટર, પાણી અને મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તેમણે જણાવ્યું કે શહેરનો વેરો વસૂલવામાં આવે છે પરંતુ સુવિધાઓ ગામડાં જેવી જ રહે છે અને મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ લોકોની આશંકા સાચી સાબિત થઈ છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સરકાર હોવા છતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાયન્સ સ્કૂલો, અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ, દવાખાનાઓ અને અન્ય સુવિધાઓ પૂરતી પ્રમાણમાં ઉભી થઈ નથી અને સામાન્ય નાગરિકોને શિક્ષણ માટે લોન લેવી પડે છે જ્યારે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેમણે જણાવ્યું કે સમાજમાં નશાના વધતા પ્રસારથી યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે, ડ્રગ્સ અને દારૂ સરળતાથી ઉપલબ્ધ છે અને પોલીસ તથા તંત્ર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દસ વર્ષથી સંઘર્ષ કર્યો છે, અનેક એફઆઈઆર, જેલ યાત્રા અને પોલીસ કાર્યવાહી છતાં પોતાના માર્ગ પરથી હટ્યા નથી અને લોકોના હિત માટે લડત ચાલુ રાખી છે. તેમણે રાજકીય પ્રણાલી પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે કેટલીક જગ્યાએ પ્રતિનિધિઓને સ્વતંત્ર રીતે બોલવાની છૂટ નથી અને લોકશાહી પર અસર થાય છે. તેમણે વિધાનસભાને મળેલી બોમ્બ ધમકીનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે આવી ગંભીર બાબતમાં પણ આરોપીઓ ઝડપાતા નથી તો કાયદો-વ્યવસ્થા શું કામની. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ ચૂંટણી દરમિયાન જવાબદારી લેવાની વાત કરે છે પરંતુ ચૂંટણી બાદ લોકોની જવાબદારીથી દૂર ભાગે છે અને સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકોમાં ડર ફેલાવી, ભ્રમ ફેલાવી અને હિંદુ-મુસ્લિમના મુદ્દાઓ ઊભા કરીને મત મેળવવામાં આવે છે જ્યારે વિકાસના મૂળ મુદ્દાઓ પર કામ થતું નથી. ભાજપનું સુરતનું લિસ્ટ રાત્રે 12:00 વાગે આવ્યું, જો સવારે આવ્યું હોત તો કમલમમાં ધોકા ઉડ્યા હોત. ગોપાલ ઇટાલીયાએ લોકોને અપીલ કરી કે તેઓ પોતાના અંતરાત્માના અવાજને સાંભળી યોગ્ય નિર્ણય લે અને આવનારી ચૂંટણીમાં એવા પ્રતિનિધિઓને પસંદ કરે જે ખરેખર લોકો માટે કામ કરે અને સુરત તથા સમગ્ર ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.





