NATIONAL

બંગાળમાં હટાવાયેલા મતદાતાઓને હાલ મત આપવાનો અધિકાર નહીં, : સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોને વચગાળાની રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્ડિંગ અપીલ ધરાવતા મતદારોને આ સમયે મતદાનનો અધિકાર આપી શકાતો નથી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્ડિંગ અપીલ ધરાવતા મતદારોને આ સમયે મતદાનનો અધિકાર આપી શકાતો નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજીઓને ફગાવી દીધી હતી જેમના નામ SIR પ્રક્રિયા દરમિયાન દૂર કરવામાં આવ્યા હતા અને જેમની અપીલ હજુ પણ એપેલેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે વચગાળાની રાહત આપવી અશક્ય છે કારણ કે તે ચૂંટણી પ્રક્રિયાને અસર કરશે.

સુનાવણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જીએ બેન્ચને જણાવ્યુ કે ઓછામાં ઓછી 16 લાખ અપીલો દાખલ કરવામાં આવી છે. તેમણે વિનંતી કરી હતી કે આગામી બે તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં આ લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યુ કે, “આ સંપૂર્ણપણે અશક્ય છે. જો અમે આમ કરીશું, તો સંબંધિત વ્યક્તિઓના મતદાન અધિકારોને સ્થગિત કરવા પડશે.” ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે SIR પ્રક્રિયામાં કુલ 34 લાખ અપીલો પેન્ડિંગ છે.

મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવા સામે હસ્તક્ષેપ માંગતી 13 વ્યક્તિઓના સમૂહ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આવ્યો. બેન્ચે અરજીને “સમય પહેલા” ગણાવી અને અરજદારોને અપીલ ટ્રિબ્યુનલમાં રાહત મેળવવા સલાહ આપી. બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારો (કુરૈશા યાસ્મીન અને અન્ય) પહેલાથી જ અપીલ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી ચૂક્યા હોવાથી અરજીમાં વ્યક્ત કરાયેલી ચિંતાઓ સમયથી પહેલાની છે. જો અરજી સ્વીકારવામાં આવે છે, તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે. જો કે કોર્ટે અરજીના ગુણદોષ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો.

ન્યાયાધીશ બાગચીએ ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર ભાર મૂકતા કહ્યું કે જે દેશમાં કોઈનો જન્મ થયો હોય ત્યાં મતદાન કરવાનો અધિકાર માત્ર બંધારણીય જ નહીં પણ ભાવનાત્મક પણ છે. તે લોકશાહીનો ભાગ બનવા અને સરકાર પસંદ કરવા સાથે જોડાયેલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ન્યાયાધીશો દ્વારા રચાયેલા ટ્રિબ્યુનલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદાનો બોજ ન લાદી શકાય. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરવાનો મામલો નથી. માધ્યમો લક્ષ્યને ન્યાયી ઠેરવે છે. આપણે યોગ્ય પ્રક્રિયાના અધિકારનું રક્ષણ કરવું જોઈએ. મતદારો બે બંધારણીય સત્તાવાળાઓ વચ્ચે ફસાઈ ન જવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ (ECI) એ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પહેલાથી ફ્રીજ કરી દીધી છે. કોર્ટ તરફથી ચોક્કસ નિર્દેશ ન મળે ત્યાં સુધી કોઈ નવા નામ ઉમેરી શકાતા નથી. બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં આશરે 27 લાખ નામ કાઢી નાખવાના કેસોનો નિર્ણય લેવા માટે ઓગણીસ અપીલીય ન્યાયાધિકરણની રચના કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!