
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના છેવાડાના સુબીર તાલુકાના નિશાણા ગામના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો છે.ગામમાં રસ્તા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ વર્ષોથી ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગામમાં હર ઘર નળ અને નળ સે જલ જેવી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી છે.ગામ સુધી પાઈપલાઈન પહોંચેલી હોવા છતાં પાણી પુરવઠો થતો નથી. કૂવાઓમાં પણ પાણીનો અભાવ હોવાથી ગ્રામજનોને પશુઓને પાણી પીવડાવવા માટે જંગલમાં દૂર કોતરો સુધી જવું પડે છે.સિંગડમાળથી ધામાલા અને ધામાલાથી કાકશાળા સુધીનો રસ્તો મંજૂર થયો હોવા છતાં, નિશાણા ગામમાં આવતા આશરે 900 મીટરના રસ્તાનું કામ હજુ સુધી અધૂરું છે. વર્ષોથી પાકા રસ્તાની માંગ હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઉપરાંત, ગામના ગરીબ પરિવારો અને મહિલાઓને ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ જેવી સરકારી યોજનાઓનો લાભ પણ મળ્યો નથી.બાળકોને શિક્ષણ માટે 10 થી 14 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે છે, જે ગામના વિકાસના અભાવને સ્પષ્ટ કરે છે.મહારાષ્ટ્રની સરહદે આવેલું આ છેલ્લું ગામ હોવાને કારણે વિકાસથી વંચિત રહ્યું હોવાનું ગ્રામજનોનું કહેવુ છે.ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તા અને પાણીની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તેઓ કોઈપણ ચૂંટણીમાં મતદાન કરશે નહીં.આ મુદ્દે ગામના આગેવાન ગમશુભાઈ કુંવર દ્વારા જણાવાયું છે કે આ અંગે તેઓ મામલતદારને આવેદનપત્ર પણ આપશે.ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીં તો ચૂંટણી બહિષ્કાર યથાવત રહેશે..





