છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતાં 9 મોત

છત્તીસગઢના શક્તિ જિલ્લાના સિંઘીતરાઈમાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે. તેમજ 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં સામેલ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે, અને આ ઘટનાથી અરાજકતા ફેલાઈ ગઈ છે.
જાણકારી મુજબ છત્તીસગઢના શક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે.
ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
બપોરના સમયે જ્યારે વેદાંત પાવર પ્લાન્ટમાં કામદારો કામમાં વ્યસ્ત હતા, ત્યારે બોઈલર વિસ્ફોટ થયો, તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. પ્લાન્ટ પર ધુમાડો છવાઈ ગયો. વિસ્ફોટ શા માટે અને કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના બાદ મૃતકોના પરિવારજનો પ્લાન્ટના ગેટ પર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.






